Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ભાજપને સત્તા પરથી દુર રાખવા મધ્યપ્રદેશ - રાજસ્થાનમાં કોંગ્રેસને સમર્થન આપીશું : માયાવતી

માયાવતીએ કોંગ્રેસને જીવતદાન આપતા કોંગ્રેસ ટેકો જાહેર કર્યો

નવી દિલ્હી તા. ૧૨ : પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થઇ છે. કોંગ્રેસે છત્તીસગઢમાં જવલંત વિજય મેળવ્યો છે અને રાજસ્થાનમાં પાતળી બહુમતીથી કોંગ્રેસને જીત મળી છે પણ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને બહુમતી મેળવવા માટે જરૂરી ૧૧૬ બેઠકોની જગ્યાએ ૧૧૪ બેઠકો જ મળી છે. કોંગ્રેસને ડર છે કે, પાતળી બહુમતીમાં રાજ કરવું કઠીન પડી શકે અને ભાજપ ભાંગફોડ કરવા કુખ્યાત છે અને ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરશે. આ સમયે બહુજન સમાજ પાર્ટીનાં અધ્યક્ષ માયાવતીએ કોંગ્રેસને જીવતદાન આપતા કોંગ્રેસને ટેકો જાહરે કર્યો છે અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ માટે સત્તાનો માર્ગ ખુલ્લો થયો છે. માયાવતીએ કહ્યું કે, બહુજન સમાજ પાર્ટીએ મધ્યપ્રદેશમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે તમામ પક્ષોએ ભેગા થવાની જરૂર છે. લોકોએ ભાજપને હરાવવા માટે કોંગ્રેસને મત આપ્યા છે. અમે ભાજપને સત્તા પરથી દૂર કરવા માટે લડ્યા છીએ કોંગ્રેસને ટેકો આપીએ છીએ. અમે કોઇ પણ ભોગે ભાજપને હરાવવા માંગીએ છીએ. અને એટલા માટે જ, અમારે કોંગ્રેસ સાથે ઘણા મતભેદો હોવા છતાં પણ અને કોંગ્રેસને ટેકો આપીએ છીએ. અમે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસને ટેકો આપીએ છીએ.'

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા આ મોટા સમાચાર છે. ખાસ કરીને કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધીએ તેમનો થપ્પો લગાવી દીધો અને અને આગામી સમયમાં મોદીને માત આપવા માટે તૈયારી કરી દીધી છે. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ પણ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી છે. હિંદીભાષી રાજયોમાં ભાજપનાં વળતા પાણી થતા અને કોંગ્રેસનું રાજ આવતા ફરી રાજકીય સમીકરણો બદલાયા છે.

આ પહેલા કોંગ્રેસનાં નેતા પી. ચિદમ્બરમે જણાવ્યું કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રસે સરકાર બનાવશે અને ભારતીય જનતા પાર્ટીને ચેતવણી આપતા કહ્યું કે, આ ત્રણેય રાજયોમાં ધારાસભ્યોને તોડીને ભાંગફોટ પ્રવૃતિ ન કરે. આ રાજયોના ગવર્નર જનાદેશને સ્વીકારે. જનાદેશ ચોરી જવાનો પ્રયાસ ન કરે.

મધ્ય પ્રદેશ છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં માત્ર તેલંગણા જ એકમાત્ર રાજય છે જયા જૂની સરકારે સત્તા પાછી મેળવી છે. છત્તીસગઢમાં કોંગ્રેસે પોતાના ૧૫ વર્ષના વનવાસને ખતમ કરીને બે તૃત્યાંશ બહુમતી હાંસલ કરી લીધી છે.જયારે મધ્ય પ્રદેશમાં પણ ૧૫ વર્ષથી સત્તારૂઢ બીજેપીને કોંગ્રેસે બેદખલ કરતી નજર આવે છે. રાજસ્થાનની ૨૦૦માંથી ૧૯૯ સીટો ઉપર થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ ૯૯ સીટો જીતીને સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. જયારે એક રાજયમાં અન્ય દળ સાથે હાથ મિલાવીને સરકાર બનાવવાનો દોવો કરવાની છે.

(4:02 pm IST)