Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

રાજસ્થાનઃ કોંગ્રેસની સરકાર રચાશેઃ સીએમ બનવા પાયલટ-ગેહલોટ વચ્ચે સ્પર્ધાઃ બંન્નેના સમર્થકોની નારેબાજીઃ રાહુલ ગાંધી લેશે ફેંસલો

સવારે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક મળીઃ એક પ્રસ્તાવ પાસ કરી રાહુલને નિર્ણય લેવા આપ્યો છુટ્ટો દોર

જયપુર, તા., ૧રઃ રાજસ્થાનના પાટનગર જયપુરમાં આજે સવારે નવા ચુંટાયેલા કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક મળી હતી અને તેમાં નેતાની પસંદગી કરવા અંગે રાહુલ ગાંધીને સતા આપતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જો કે આ બેઠકની બહાર મુખ્યમંત્રી પદના બે દાવેદારો સચિન પાયલટ અને અશોક ગેહલોટના સમર્થકોએ હંગામો મચાવી પોત-પોતાના નેતાના સમર્થનમાં નારેબાજી કરી હતી.  હવે જોવાનું એ રહે છે કે રાહુલ ગાંધી કોની પસંદગી કરે છે?

રાજસ્થાન વિધાનસભાની ચુંટણીમાં સારો દેખાવ કર્યા બાદ કોંગ્રેસની સરકાર રચાઇ રહી છે. મુખ્યમંત્રી કોણ બનશે? એ સાંજ સુધીમાં નક્કી થઇ જશે. આજે સવારે ૧૧ વાગ્યે વિધાનસભા પક્ષની બેઠક મળી હતી અને તેમાં એક ઠરાવ પસાર કરી નેતા પદનો નિર્ણય લેવા રાહુલ ગાંધીને સતા આપવામાં આવી હતી. સીએમ પદ માટેના બંન્ને દાવેદારોના સમર્થકો આજે ઉમટી પડયા હતા અને પોતપોતાના નેતાના સમર્થનમાં નારેબાજી કરી હતી. બંન્ને નેતાઓ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે.

મળતા અહેવાલો મુજબ કોંગ્રેસના નેતા અહેમદ પટેલ સચિન પાયલટને મનાવવા જયપુર આવે તેવી શકયતા છે. સીએમ બનવા અશોક ગેહલોટનું પલ્લુ ભારે હોવાનું જણાય છે. રાજસ્થાનમાં કોંગ્રેસને અપક્ષ અને અન્યોનો ટેકો મળી ગયો છે અને હવે તે સરકાર રચવા સાંજે દાવો કરે તેવી શકયતા છે.

(3:26 pm IST)