Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

કમળને જીત અપાવી વિરોધીને જવાબ આપવાની ફરી અપીલ

ટ્વીટર પર મોદીનો ગુજરતીઓને ભાવસભર સંદેશો : મારા જાહેર જીવનમાં ૪૦ વર્ષમાં ક્યારેય નહીં અનુભવી તેવી લાગણી અને પ્રેમ ગુજરાતના લોકોનો મળ્યો : મોદી

નવી દિલ્હી,તા. ૧૨ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો અંત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે ટ્વીટર મારફતે ગુજરાતની છ કરોડ પ્રજાને ભાવસભર સંદેશો આપ્યો હતો. ટ્વીટર પર મોદીએ તેમની મનની વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો અંત આવ્યો છે. આશરે સાડા ત્રણ વર્ષ પછી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં જઇને જનતા જનાર્દનના દર્શન કરવાની તક મળી છે. તેમના આશીર્વાદ લેવાનુ સૌભાગ્ય મળ્યુ છે. તેમણે ટ્વીટર પર લખતા કહ્યુ છે કે મારા જાહેર જીવનમાં ૪૦ વર્ષમાં ક્યારેય ન અનુભવી હોય તેવી લાગણી અને પ્રેમ આપે આપ્યો છે. સગા સંબંધી દિકરાને વધારે તેમ મને આપે વધાવ્યો છે. આપનો પ્રેમ, આપના આશીર્વાદ મને શક્તિ આપે છે.કરોડો ભારતવાસી  માટે જીવન ખપાવી દેવાની ઉર્જા આપે છે. આપનો સદૈવ આભાર માનીશ. ૧૪મી તારીખે પણ પ્રથમ તબક્કાની જેમ જ ભાજપ તરફી વધુ મતદાન કરીને એક એક પોલિંગ બુથમાં ભાજપ અને કમળને જીત અપાવવાના સંકલ્પને બરોબર જોયો છે. ગુજરાત પર ગુજરાતના ઉદ્યમી અને મહેનતકશ નાગરિકો માટે તેમજ વ્યક્તિગત રીતે મારા માટે પણ ન કલ્પી શકાય તેવી વાતો વિરોધીઓ દ્વારા કરવામાં આવી હતી. સહુ  ગુજરાતી  લોકોની લાગણી ઘવાય છે. ચોટ લાગે છે તે સ્વાભાવિક છે. આ માટેનો જવાબ ૧૩મી તારીખે વોટથી આપવા મોદીએ લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ગુજરાત અને ગુજરાતના વિકાસની મજાક કરવામાં આવી છે. જેથી વિરોધીઓને મત દ્વારા જવાબ આપવાની તક હવે આવી ગઇ છે. મોદીએ ટ્વીટ કરીને કહ્યુ છે કે ભારત અને ગુજરાત મળીને સાથે ચાલે તેવી તેમની અપીલ છે. આના કારણે અમારી તાકાત અનેક ગણી  વધી ગઇ છે. ૧૪મી ડિસેમ્બરના દિવસે રેકોર્ડ મતદાન કરવાની મોદીએ તમામ ગુજરાતી લોકોને અપીલ કરી છે. ભાજપને બંપર બહુમતિ આપવા મોદીએ લોકોને અપીલ કરી હતી.

(8:12 pm IST)