Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

રાહુલ પ્રચારમાં સતત રહ્યા

કોંગ્રેસ આ વખતે જોરદાર લડી છે , ભાજપ કહે છે

ભાજપ હવે ચોતરફથી ઘેરાઇ ગઇ છે, લોકો સમજી ગયા છે

રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપ આ વખતે હવે ચોતરફથી ઘેરાઇ ગઇ છે. ગુજરાતની જનતા હવે સમજી ગઇ છે કે, ભાજપમાં ખોખલાપણું છે અને તેના વિકાસના દાવાઓ પોકળ છે. છેલ્લા ૨૨ વર્ષોમાં ભાજપે શું કર્યું તે જનતાને સમજાવી શકાતુ નથી. જનતાને હવે સાચુ ફીલ થઇ રહ્યું છે કે, ભાજપે તેમના માટે કંઇ કર્યું જ નથી.

ભાજપના જ લોકો કહે છે, કોંગ્રેસ આ વખતે જોરદાર લડી

રાહુલ ગાંધીએ આજે એક બહુ મહત્વની વાત કરી હતી કે, ખુદ ભાજપના જ લોકો કહી રહ્યા છે કે, કોંગ્રેસ આ વખતે બહુ જોરદાર રીતે, સાથે મળીને અને વ્યૂહાત્મક રીતે ચૂંટણી લડી છે. અમને એમ  હતું કે, ભાજપ બહુ મજબૂતીથી મર્દાનગીથી લડશે પરંતુ મર્દાનગીથી ના લડયું, તેની સામે કોંગ્રેસ પૂરાજોશથી, ઉત્સાહથી અને એકજૂટ, એકસંપ થઇને લડી છે. મને ખુશી અને આનંદ એ વાતનો છે કે, છેલ્લા ૨૨ વર્ષમાં કોંગ્રેસ ફરી એકવાર જોરદાર રીતે બેઠી થઇ ગઇ છે અને ભાજપ-મોદીજીને પડકાર ફેંકી રહી છે.

કોંગ્રેસ વધુ મજબૂત બનાવવી એ જ અધ્યક્ષ તરીકે પ્રાથમકિતા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તા.૧૬મી ડિસેમ્બરે પદભાર સંભાળ્યા બાદ તમારી સૌથી પહેલી પ્રાથમિકતા શું હશે એ મતલબના પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષને અને તેના સંગઠનને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવું એ જ મારી સૌથી પહેલી પ્રાથમિકતા અને પ્રાધાન્યતા રહેશે. જો કે, હું કોંગ્રેસની આઇડીયોલોજી, કાર્ય કરવાની પધ્ધતિ લોકો સુધી પહોંચાડવા માંગું છે કે પ્રેમથી રાજનીતિ થવી જોઇએ.

મોદીજી સી પ્લેનમાં ફરે તે સારી વાત, પણ ગુજરાત માટે શું કર્યું?

મોદીજીની આજની સી પ્લેનમાં સફર અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાહુલે હળવા મુડમાં જણાવ્યું કે, મોદીજી સી પ્લેનમાં ફરે તે સારી વાત છે. પરતુ સવાલ એ છે કે, ગુજરાતની જનતા માટે તેમણે શું કર્યું?  ગુજરાતમાં ૩૦ લાખ લોકો બેરોજગાર છે, ગુજરાતની હોસ્પિટલોમાં ડોકટરો છે? જય શાહ અને રાફેલ ડીલ મુદ્દે ચર્ચા કરી છે ? ગુજરાતની જનતા એ સમજુ જનતા છે તે, મોદીજી અને ભાજપને હવે ઓળખી ગઇ છે.

ગુજરાતની જનતાનો પ્રેમ હું જીંદગીભર નહી ભૂલી શકું

રાહુલ ગાંધીએ આજે લાગણીસભર સ્વરમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ આ વખતે મને જે પ્રેમ આપ્યો છે તે હું જીંદગીભર નહી ભૂલી શકું. ગુજરાતની જનતાએ મારા દિલને સ્પર્શી લીધું છે. હું જયાં જયાં પ્રચારમાં ગયો ત્યાં લોકોએ મને પ્રેમથી ખાખરા, અથાણાં, મગફળી, રોટલા બધુ જ ખવડાવ્યું. હું તમારો પ્રેમ અને આદર સત્કાર કયારેય નહી ભૂલી શકું. હું તમને ફરી એકવાર કહેવા માંગુ છું કે, જયારે પણ મારી જરૂર પડે મને બસ ખાલી યાદ કરજો, હું હાજર થઇ જઇશ તમારા માટે.

અધ્યક્ષ બન્યા બાદ રાહુલના જગન્નાથજીના દર્શન

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુકિત બાદ રાહુલ ગાંધીએ સૌપ્રથમવાર શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરમાં દર્શન કર્યા હતા. રાહુલે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની ભારે ભકિતભાવ સાથે આરતી ઉતારી ભગવાનની પૂજા વિધિ કરી હતી અને પૂજારીજીના આશીર્વાદ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શનથી કરી હતી અને આજે પણ ભગવાન વિષ્ણુના સ્વરૂપ એવા જગન્નાથજી ભગવાનના દર્શન કરી અધ્યક્ષ બન્યા બાદ સૌપ્રથમ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

જીએસટીથી વેપારીઓના ૫૦ ટકા રૂપિયા ગાયબ

રાહુલ ગાંધીએ આજે નોટબંધી અને જીએસટીના મુદ્દે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર પ્રહારો કર્યા હતા કે, નોટબંધી અને જીએસટીના કારણે દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી. અમદાવાદ, સુરત સહિત ગુજરાત તેમ જ દેશભરમાં નાના ઉદ્યોગો, નાના દુકાનદારો, નાના વેપારીઓ બરબાદ થઇ ગયા. જીએસટીના કારણે વેપારીઓના ૫૦ ટકા રૂપિયા ગાયબ થઇ ગયા એમ ખુદ વેપારીઓ અને દુકાનદારોએ પ્રચાર દરમ્યાન મારી સમક્ષ તેમની વેદના ઠાલવી હતી.

(8:09 pm IST)