Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ પાર્ટી જ સરકાર બનાવશે : રાહુલ ગાંધી

હું નરેન્દ્ર મોદી માટે ખોટા શબ્દપ્રયોગ નહી કરુ : રાહુલ ગાંધી : વડાપ્રધાન મોદી સામે ખોટી ટિપ્પણી કરનાર મણિશંકરને અમે સસ્પેન્ડ કર્યા પરંતુ મોદીની મનમોહનસિંહ વિશે ટિપ્પણી પણ સ્વીકાર્ય નથી : રાહુલ ગાંધી

અમદાવાદ,તા.૧૨ :     કોંગ્રેસના નવનિયુકત રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમદાવાદની મુલાકાત દરમ્યાન મીડિયાપર્સન સાથેની વાતચીતમાં ભારે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાતમાં જનતાનો મુડ બદલાયો છે અને જોરદાર અંડર કરંટ છે, તેથી આ વખતે કોંગ્રેસ જનતાની પોતાની સરકાર બનાવશે. આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો બહુ જબરદસ્ત આવવાના છે. અમને એમ હતું કે, ભાજપ બહુ મર્દાનગીથી લડશે પરંતુ મર્દાનગીથી ના લડયું, જેની સામે મને ખુશી છે કે, કોંગ્રેસ પૂરાજોશ અને ઉત્સાહથી, એકજૂટ અને એકસંપ થઇને આ વખતની ચૂંટણી લડયું. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી મુદ્દે જણાવ્યું હતું કે, મોદીજી સામે ખોટી ટિપ્પણી કરનાર મણિશંકર ઐય્યરને અમે પક્ષમાંથી તાત્કાલિક જ સસ્પેન્ડ કરી નાંખ્યા. તો, મોદીજીએ પણ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ સામે કરેલી ટિપ્પણીઓ પણ એટલી જ ગેરવાજબી અને અસ્વીકાર્ય છે. ભલે ચૂંટણીમાં મોદીજી અમારી સામે પરંતુ એ દેશના અને સૌના વડાપ્રધાન છે અને તે પદની ગરિમા જાળવવી જ રહી. મોદીજી ભલે મારા વિશે ગમે તેટલું ખરાબ બોલે પરંતુ હું તેમના માટે ખોટો શબ્દપ્રયોગ નહી કરૂ કારણ કે, તે આપણા પ્રધાનમંત્રી છે.     રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર ગુજરાતની જનતાને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, તમે વિશ્વાસ રાખજો કે, કોંગ્રેસની સરકાર ગુજરાતની જનતાનો અવાજ સાંભળીને સરકાર ચલાવશે, તમને પૂછયા વિના એક નિર્ણય પણ અમારી સરકાર નહી લે. વડાપ્રધાન મોદી દ્વારા પાકિસ્તાન સહિતના અન્ય મુદ્દાઓને ઉછાળીને ભાવનાત્મક રાજકારણ ખેલાઇ રહ્યું હોવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાુહલ ગાંધીએ જણાવ્યું હતું કે, વાત અત્યારે ગુજરાતની ચૂંટણીની છે અને ગુજરાતની જનતાના ભવિષ્યની છે. મોદીજી પાસે બોલવા જેવા બીજા કોઇ મુદ્દા રહ્યા નથી તેથી તેઓ વિકાસના અને ગુજરાતની પ્રજાના પ્રાણસમસ્યાના મૂળ મુદ્દાઓથી ભટકી રહ્યા છે અને આવા ભાવનાત્મક મુદ્દાઓનો સહારો લઇ રહ્યા છે પરંતુ ગુજરાતની જનતા શાણી અને સમજદાર જનતા છે, તે જાણે છે કે, મોદીજી તેમના ભાષણોમાં વિકાસ કે ગુજરાતની જનતાના પ્રાણપ્રશ્નોની વાત નથી કરતા. આ વખતે રાજયની જનતામાં એવી લાગણી બળવત્તર બની છે કે, છેલ્લા ૨૨ વર્ષોમાં ભાજપે વાસ્તવમાં તેમના માટે કંઇ કર્યુ જ નથી. મોદીજી તેમના ભાષણોમાં તેમની પોતાની વાત કરે છે કાં તો, કોંગ્રેસની વાત કરે છે.   રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, મોદી સરકારે દેશના મોટા ઉદ્યોગપતિઓના કુલ રૂ.૧.૨૦ લાખ કરોડોના દેવા માફ કરી દીધા પરંતુ જયારે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે છે ત્યારે કહે છે કે, તમે ખેડૂત છો અને તેથી તમારા દેવા માફ કરવાની નીતિ અમારી પાસે નથી. રાહુલે ખાતરી આપતાં જણાવ્યું કે, કોંગ્રેસની સરકાર આવશે એટલે અને દસ દિવસમાં ખેડૂતોના તમામ દેવા માફ કરીશું, ખેડૂતોને તેમના પાકના ટેકાના ભાવ પણ વાજબી અને પૂરતા આપીશું એટલું જ નહી, સીઝન શરૂ થતાં પહેલાં જ ખેડૂતોને કહી દઇશું કે, આ સીઝનમાં તમને આ પાકના ટેકના આટલા ભાવ મળવાના છે. કોંગ્રેસે મનરેગામાં રૂ.૩૫ હજાર કરોડ ફાળવ્યા હતા, જયારે મોદીજીએ તેટલી જ રકમ માત્ર એક કંપની ટાટા નેનોને ફાળવી દીધી. તમારી જમીનો, પાણી અને વીજળી છીનવી લેવાય છે અને તે મોદીજીના માનીતા ઉદ્યોગપતિઓને પધરાવી દેવાય છે. ફાયદો બધો ઉદ્યોગપતિઓને થયો, ગુજરાતની જનતાને કંઇ ના મળ્યું.  કચ્છના મુંદ્રામાં એક વ્યકિતને ૪૫ હજાર એકર જમીન માત્ર એક રૂપિયા પ્રતિ ચો.મીના ભાવે પધરાવી દેવાઇ અને આ વ્યકિતએ તમારી આ જમીનો થોડા મહિનાઓ પછી રૂ.ત્રણથી પાંચ હજારમાં એચપીસીએલ સહિતની સરકારી કંપનીઓને વેચી મારી. રાહુલે રાફેલ હવાઇ જહાજના કોન્ટ્રાકના મુદ્દે પણ વડાપ્રધાન મોદી પર સીધા પ્રહારો કર્યા હતા કે, મોદીએ અનુભવી સરકાર કંપની સાથેનો રાફેલ હવાઇ જહાજનો કોન્ટ્રાકટ રદ કરી હજારો કરોડની ઉંચી કિંમતે તે પોતાના ખાસ ઉદ્યોગતિને આપી દીધો કે જેણે કયારેય હવાઇ જહાજ બનાવ્યા નથી. આ ઉદ્યોગપતિના માથે રૂ.૪૫ હજાર કરોડનું તો દેવું છે. રાહુલ ગાંધીએ રાફેલ હવાઇ જહાજ ડીલ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછેલા ત્રણ સવાલો આજે ફરીથી દોહરાવ્યા હતા અને તેમની પાસેથી જવાબની માંગણી કરી હતી. રાહુલે શિક્ષણ, બેરોજગારી, આરોગ્ય સેવા, ખેડૂતો અને મહિલા સુરક્ષા સહિતના મુદ્દે પણ ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરેલી વાતો અમલી કરી બતાવવાની ખાતરી ઉચ્ચારી હતી. સાથે સાથે ગુજરાતમાં બેલેન્સ્ડ ડેવલપમેન્ટ કરવાની અને ગુજરાતના તમામ સમાજના લોકોને સાથે લઇને ચાલવાની વાત કરી હતી.

(7:21 pm IST)