Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

કોંગ્રેસનો પ્રચાર હિન્દીમાં તો ભાજપની 'તળપદી'માં સટાસટી !!

નરેન્દ્ર મોદી સ્થાનિક વડીલોને વીણી-વીણીને યાદ કરે છે જ્યારે પ્રદેશ નેતાઓ રાહુલને દોરવણી આપવામાં નિષ્ફળ રહ્યા : રાહુલે ઢેબરભાઈ, જીવરાજ મહેતા, ઈન્દુભાઈ યાજ્ઞિક, હિતેન્દ્રભાઈ માધવસિંહજી, અમરસિંહ ચૌધરીને યાદ સુદ્ધા ના કર્યા જ્યારે મોદી સ્થાનિક ચાવાળા કે સોડાવાળાને પણ યાદ કરી પોતે 'સ્થાનિક' હોવાનું 'સિદ્ધ' કરે છે : રાહુલજી ભાષણમાં માત્ર ત્રણેય યુવાનોને યાદ કરે છે : મોદીજી કહેવતોને ટાંકીને કોંગ્રેસ પર કરે છે પ્રહાર

રાજકોટ, તા. ૧૨ :. આજે સાંજે પાંચ વાગ્યે ગુજરાતમાં બીજા તબક્કાના ચૂંટણી પ્રચારના ભૂંગળા અને નેતાઓ શાંત થઈ જશે ત્યારે કોણે મેદાન માર્યુ? એ તો હજુ ચોક્કસ રીતે કરી ના શકાય પરંતુ લોકોના હૃદયને અસર કરી જવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. જ્યારે ભાજપે લોકોનો મિજાજ પારખી એ ચોક્કસ દિશા તરફ પ્રચારની દિશા વાળવાનો પ્રયાસ કર્યો છે. જો કે એ સફળ રહેશે કે નિષ્ફળ એ તો ૧૮મી તારીખે જ ખ્યાલ આવશે.

ભાજપ ગુજરાતઓની 'નાડ' પારખી જનારો પક્ષ છે અને એટલા માટે જ સતત ૨૨ વર્ષ સુધી કોંગ્રેસને સત્તાથી દૂર રાખી શકયો છે. ગુજરાતના લોકોને ચૂંટણી પ્રચારમાં શું પીરસીએ તો પરિણામ તરફ જઈ શકીએ. તેમા ભાજપે નિપુણતા હાંસલ કર્યાનું સિદ્ધ કર્યુ છે, જ્યારે કોંગ્રેસે આ માટે હંમેશા અન્યો પર આધાર રાખ્યો છે.

આ વખતે પણ ગુજરાતમાં કોંગ્રેસ માત્રને માત્ર રાહુલ ઉપર તથા રાહુલ જાણે કે હાર્દિક, અલ્પેશ અને જીજ્ઞેશ ઉપર આધાર રાખી રહ્યા હોવાનું જોઈ શકાય છે, જ્યારે ભાજપમાં મોદી ઉપરાંત આદિત્યનાથ, અમિત શાહ, વિજય રૂપાણી, નિતીન પટેલ, રૂપાલા, સ્મૃતિ ઈરાની સહિનતાઓ ચોતરફથી ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ ઉપર તૂટી પડયા હતા.

કોંગ્રેસમાં જાણે રાહુલ ગાંધી ઉપરાંત કોઈ સ્ટાર પ્રચારક છે જ નહી તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. ભરતસિંહ સોલંકી, શકિતસિંહ ગોહિલ, અર્જુનભાઈ મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ જાણે કે હાજર જ ન હોય તેવું ચિત્ર ખડુ થઈ ગયુ છે.

એક તો રાહુલ ગાંધી હિન્દીમાં ભાષણ કરે અને ભાજપમાં પ્રદેશના કોઈ સ્થાનિક આગેવાનોને કે પૂર્વ કોંગી નેતાઓના નામ સુદ્ધાના લ્યે તેની ગુજરાતવાસીઓએ નોંધ લીધી છે. જાણકારો સ્પષ્ટ ચર્ચી રહ્યા છે કે કોંગ્રેસનો પ્રચાર હિન્દીમાં અને ભાજપનો પ્રચાર ગુજરાતીમાં એમ બે ભાગ પડી ગયા છે.

ચર્ચાતી વિગતો મુજબ એક તરફ વડાપ્રધાન મોદી તેના દરેક ભાષણમાં સ્થાનિક આગેવાનો કે સ્થાનિક વેપારીઓ કે સામાજીક માંધાતાઓને વીણી-વીણીને યાદ કરે છે અને જે ગામના ચાવાળા નટુભાઈ હોય કે અન્યો કે પછી શ્રેષ્ઠીઓ હોય બધાને યાદ કરીને એ વાત મજબૂતપણે પ્રસ્થાપીત કરે છે કે 'હું છું ગુજરાત.'

મોદીજી તેના ભાષણમાં જુની વાતો, જુના કે સ્વર્ગસ્થ આગેવાનોને યાદ કરી જુની કહેવતોને ટાંકીને પોતાનો જે તે શહેર કે જીલ્લા સાથે અતુટ નાતો છે તે યાદ કરે છે અને પુછે છે કે નટુભાઇની ચા બહુ પીધી કે પછી ફલાણી જગ્યાએ 'સોડા' પીવા બધા જાવ છો ને ? આમ કહીને તેઓ કહેવા માંગે છે કે પોતે સ્થાનિક છે અને દરેક જીલ્લામાં ૧૦૦ થી ર૦૦ને નામથી ઓળખે છે.

બીજી તરફ રાહુલને ખરેખર શું બોલવુ જોઇએ તે અંગે પ્રદેશ આગેવાનોએ માર્ગદર્શન કે દોરવણી આપવી જોઇએ પરંતુ આવુ કરવામાં સ્થાનિક આગેવાનો નિષ્ફળ ગયા છે. રાહુલ ગાંધીએ અત્યાર સુધીમાં પ્રદેશ આગેવાનોના નામો પણ મોટાભાગે કયાંય ઉચાર્યા નહી અને યાદ કર્યા છે તો માત્ર હાર્દિક, અલ્પેશ કે જીજ્ઞેશ ને.

ખરેખર રાહુલ ગાંધીએ ગુજરાત સાથે નાતો બાંધવો હોય તો જીવરાજ મહેતા, ઢેબરભાઇ, ઇન્દુભાઇ યાજ્ઞિક, હિતેન્દ્ર દેસાઇ, માધવસિંહજી સોલંકી, અહેમદભાઇ પટેલ કે અમરસિંહ ચૌધરીને પણ યાદ કરવા જોઇએ.

જે તે શહેરમાં જાય ત્યારે ત્યાંથી પીઢ આગેવાનોને યાદ કરવા જોઇએ પરંતુ આવુ થયુ નથી. જયારે મોદી પોતાનો અને ભાજપનો નાતો ગુજરાત સાથે મજબુત છે તે સાબીત કરવામાં સફળ થઇ રહ્યા છે.

રાહુલ જુના જોગીઓને વીસરી ગયા છે ત્યારે એવુ લાગુ રહ્યુ છે કે કોંગ્રેસની ગુજરાતમાં શું મજબૂતાઇ કે પછી માત્ર વચનો, ચૂંટણી ઢંઢેરા, મોદીની નિષ્ફળતા અને ત્રણેય યુવા નેતાઓની લડતને આધાર બનાવીને ગુજરાતમાં પરિવર્તન થશે તેવુ માની રહ્યા છે આવો પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે.

(3:36 pm IST)