Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ફરી વાર ઉમેદવાર બનેલા ધારાસભ્યોની સંપત્તિ ૩૯ ટકા વધી ગઇ

ચૂંટણી ઉમેદવારોની સંપત્તિમાં વધારો

નવી દિલ્હી તા. ૧૨ : જો રાજકીય પક્ષોના ઉમેદવારો અને પૂર્વ ધારાસભ્યો જેમને ફરીવાર ટિકિટ મળે છે તેમની સંપતિ વિશેની જાહેરાતની વાત કરીએ તો કોઈપણ કહી શકશે કે રાજનીતિમાં રહેલા લોકોને જોરદાર ફાયદો થાય છે. ૧૨૧ જેટલા ફરીવાર ચૂંટણી લડી રહેલા ધારાસભ્યો જેમાં અપક્ષ ધારાસભ્યો પણ સામેલ છે તેમના દ્વારા ફાઈલ કરાયેલ સોગંદનામાના વિશ્લેષણથી એવું માલૂમ પડે છે કે વર્ષ ૨૦૧૨માં આ ઉમેદવારોની સરેરાશ સંપતિ ૭.૫૬ કરોડ રુ. હતી જે વર્ષ ૨૦૧૭માં વધીને ૧૦.૫૪ કરોડ રુ. થઈ ચૂકી છે. NGO ગુજરાત ઈલેકશન વોચ એન્ડ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા કરાયેલ આ વિશ્લેષણ પ્રમાણે ફરીવાર ચૂંટણી લડી રહેલા ધારાસભ્યોની સંપતિમાં ૩૯ ટકાનો વધારો થયો છે.

આ વિશ્લેષણ પ્રમાણે ભાજપના સૌરભ પટેલ (બોટાદ), પભુભા માણેક (દ્વારકા) અને દિનેશ પટેલ (પાદરા)ની સંપતિમાં સૌથી વધુ વધારો થયો છે. ૫ વર્ષમાં સૌરભ પટેલની સંપતિ ૫૬ કરોડ રૂ.થી વધીને ૧૨૩ કરોડ રૂ. થઈ ચૂકી છે. માણેકની સંપતિ ૩૧ કરોડ રૂ.થી વધીને ૮૮ કરોડ રૂ. થઈ ચૂકી છે. જયારે દિનેશ પટેલની સંપતિ ૩૯ કરોડ રૂ.થી વધીને ૬૧ કરોડ રૂ. થઈ ચૂકી છે.

ભાજપના ૮૧ ધારાસભ્યો જેઓ ફરીવાર ચૂંટણી લડી રહ્યા છે તેમની સંપતિમાં ૫૭ ટકા વધારો થયો છે જયારે કોંગ્રેસના ધારાસભ્યોની સંપતિમાં ૩૭ ટકાનો વધારો નોંધાયો છે. NCPના ધારાસભ્યોની સરેરાશ સંપતિ ૩ ટકા જયારે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઉમેદવારની સરેરાશ સંપતિ ૧૭ ટકા ઘટી છે.

ભાજપના માણસાના ઉમેદવાર અમીત ચૌધરી જેઓ ફરીવાર જેઓ ધારાસભ્ય પણ છે તેમની સપંતિ ૩૮૭ ટકા ૨૨ કરોડ થઈ ચૂકી છે, જયારે કોંગ્રેસના ગેંદાલભાઈ ડામોરની સંપતિ ૩૦૮ ટકા વધીને ૩ કરોડ રુ. થઈ ચૂકી છે. જયારે ભાજપના શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ઘેલાભાઈની સંપતિ વધીને ૨૦૭ ટકા સુધી વધીને ૬ કરોડ રૂ. થઈ ચૂકી છે, ભાજપના માંગરોળ (ST) ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની સંપતિમાં ૪૧૭ ટકાનો વધારો નોંધાયો છે જે હાલમાં વધીને ૩ કરોડ રૂ. થઈ ચૂકી છે.

કોંગ્રેસના દરિયાપુર વિધાનસભાના ઉમેદવાર અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની સંપતિ ૨૨૯ ટકા વધીને ૧ કરોડ સુધી પહોંચી ગઈ છે. આ સિવાય વડોદરા સિટીના ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય મનિષા રાજીવ વકીલની સંપિતમાં ૧૩૪૮ ટકાનો વધારો થયો છે. તેમની સંપતિ લગભગ ૧ કરોડ રુ. જેટલી છે. ભાજપના ભૂજના ઉમેદવાર ડો.નિમાબેન આચાર્યની સંપતિમાં વર્ષ ૨૦૧૨ની સરખામણીએ બિલકુલ વધારો થયો નથી.

(3:32 pm IST)