Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

મનોહરમુનિને બે વર્ષની સજા ફટકારતી મુંબઈ કોર્ટ

મુંબઈમાં ૨૦૧૨માં તેઓ ઉપર છેડતીનો આરોપ હતો : મુંબઈ જ્યુડિશ્યલ કોર્ટે ૫૦ હજારનો દંડ પણ ફટકાર્યો : જામીન પર છૂટી ગયા

રાજકોટ : જૈન મુનિ મનોહરમુનિ મ. સા.ને ૨૦૧૨ના છેડતીના કેસમાં મુંબઈની જ્યુડીશિયલ કોર્ટે ૨ વર્ષની સજા તથા ૫૦ હજારનો દંડ ફટકારતા જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે. કોર્ટે રૂા. ૧૫ હજારના જામીન ઉપર મુકત કર્યા છે અને ૩૦ દિવસમાં ઉપરની કોર્ટમાં અપીલ માટે જવા મંજૂરી આપી છે. ગોંડલ સંપ્રદાય સંરક્ષણ સમિતિની મીટીંગ બોલાવી આ વિશે વિચારણા કરાશે તથા આગળની કાયદાકીય કાર્યવાહી માટે માર્ગદર્શન મેળવી રહ્યા હોવાનું ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારીએ ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવેલ.

આ ઘટના અંતર્ગત ૨૦૧૨માં મુલુંડ પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરીયાદમાં યુવતીએ કહ્યું હતું કે ૨૦ માર્ચ ૨૦૧૨ના રોજ એલબીએસ માર્ગ, કાંજુર માર્ગ પર આવેલી મારા પપ્પાની ઓફીસમાં હું સવારે આઠ વાગ્યે મારી મમ્મી સાથે ૬૦ વર્ષના મનોહરમુનિના દર્શન કરવા ગઈ હતી. એ સમયે મારી ઓળખાણ અમારા જૈન ધર્મગુરૂ સાથે મારા પપ્પાએ કરાવી હતી. મને ડિપ્રેશન આવે છે એ વાત મારા પપ્પાએ ધર્મગુરૂ મનોહરમુનિને કરતા તેમણે એ જ દિવસે સવારે ૧૦ વાગ્યે ભાંડુપના ઈશ્વરનગરમાં આવેલા જૈન મંદિરમાં મને મળવા બોલાવી હતી. મારા પપ્પા, દાદા, કાકા, ભાઈ અને હું એમ અમે બધા ત્યાં ગયા હતા. ત્યાં તેમણે બધાની સામે મારા કુટુંબ સામે મારા માથે વાસક્ષેપ નાખ્યો હતો. ત્યાર પછી ૩૧ માર્ચે મુલુંડ (વેસ્ટ)ના સેવા લાલવાણી રોડ પર આવેલા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક જૈન મંદિરમાં બોલાવી હતી. એ સમયે મારા પપ્પા અને મારા ૮૬ વર્ષના દાદા મારી સાથે આવ્યા હતા. તેમણે મારા કુટુંબીજનોની સામે વાસક્ષેપ નાખી અમને ૬ એપ્રિલે મુલુંડમાં સાંજે ૪ વાગ્યે બોલાવ્યા હતા અને મળીને નીકળી જવાનું કહ્યું હતું.

છ એપ્રિલે હું મારા કુટુંબીજનો સાથે મુલુંડના એ જૈન મંદિરમાં ગઈ હતી. અમે મનોહરમુનિ મહારાજ સાહેબને મળ્યા હતા. અમારા ધર્મગુરૂ મનોહરમુનિએ મારી વિધિ કરવાની છે. એટલે બધા જ બહાર બેસો કહીને મને ૪:૪૫ વાગ્યે એક નાનકડી રૂમમાં લઈ જઈને દરવાજાની કડી બંધ કરી દીધી હતી. એ રૂમની બધી બારીઓ પણ તેમણે બંધ કરી દીધી હતી. તેમણે મારી શારીરીક છેડછાડ શરૂ કરેલ અને મને તેમની બાથમાં ભીડી લીધી હતી. ધર્મગુરૂની ચાલી રહેલી વિધિ મને અજીબ લાગવાથી મેં તેમને પાછળ ધકેલતા પૂછ્યુ કે તમે શું કરો છો? એના જવાબમાં તેમણે કહ્યું કે હું તારી ગરમી ચુસુ છું, તેમની હરકતો મને ન ગમતા મેં દરવાજો ખોલવાનો પ્રયત્નો કર્યો ત્યારે તેમણે મને ધમકીભર્યા અવાજમાં કહ્યું કે બહાર નીકળીને જો કાંઈ બોલી છે તો હું તને જાનથી મારી નાખીશ. એમ કહીને મને એક ખુરશી પર બેસાડીને તેમણે દરવાજો ખોલીને મારા પિતાને બોલાવવાનું કહ્યું. મેં બહાર જઈને મારી સાથે બનેલી બધી હકીકત મારા પિતા અને કુટુંબીજનોને કહી. મારા પિતાએ ગુસ્સેથી તેમને બહાર બોલાવ્યા. તેમણે મારા પિતાને ઉલટાસુલટા જવાબ આપીને મારા પિતાને હાથથી મારવાનુ શરૂ કર્યુ. મારા કાકાએ તેમનો હાથ પકડી લીધો હતો. મંદિરમાં ચાલી રહેલા અમારા ઝઘડાને સાંભળીને મુલુંડની પોલીસ વેન ત્યાં આવી હતી. તેને અમે આખી ઘટના કહી સંભળાવતા પોલીસ ધર્મગુરૂ સાથે અમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

મુલુંડ પોલીસે કોર્ટમાં દાખલ કરેલા તેમના ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે મનોહરમુનિ મહારાજ સાહેબ ઉર્ફે મનોહર પ્રાણભાઈ દેસાઈને ગુનો કબુલ કર્યો હતો. જેથી સુપ્રિમ કોર્ટના આદેશાનુસાર આરોપીની ધરપકડ કરીને તેમને નાગપાડા પોલીસ હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા.

આ બનાવથી સમસ્ત જૈન સમાજમાં ખળભળાટ મચી જતા હાલ આ અંગે તેઓ કાયદાકીય અભિપ્રાય અને કઈ રીતે ઉપરની અદાલતમાં જવું તે અંગે આયોજન કરી રહ્યા છે.

(3:24 pm IST)