Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

કર્ણાટકથી વજુભાઈની ઘર વાપસીનો મોદીનો નિર્દેશ ? ગુજરાતના મુખ્યમંત્રી બનશે ?

સોશ્યલ મીડિયામાં કર્ણાટકના એક અંગ્રેજી અખબારને ટાંકીને ફરતો અહેવાલ જોરશોરથી વાયરલ :વડાપ્રધાન મોદીએ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇને બિસ્તરા-પોટલા બાંધીને તૈયાર રહેવા જણાવ્યું ? ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે વજુભાઈએ રાજકોટની પોતાની સીટ ખાલી કરી આપી હતી

બેંગ્લુરૂ, તા. ૧૨ :. કર્ણાટકના ગવર્નર વજુભાઈ રૂડાભાઈ વાળાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘર વાપસીનો નિર્દેશ આપી દીધો છે કે શું ? તેવી ચર્ચાએ કર્ણાટક રાજભવનમાં જોર પકડયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની રાહ દેશભરમાં જોવાઈ રહી છે ત્યારે રવિવાર સુધીમાં વજુભાઈ વાળાની હોમ સ્ટેટ-ગુજરાતમાં વાપસીની અટકળો તેજ બની છે.  ૧૮મી ડીસેમ્બરે ગુજરાત વિધાનસભાના પરિણામો આવવાના છે ત્યારે પીએમઓ દ્વારા વજુભાઈને ફોન કરી ટૂંકી નોટીસમાં ગુજરાત પરત ફરવાની તૈયારી રાખવાનું જણાવી દીધાનું મનાય છે. ગુજરાતમાં ભાજપ છેલ્લા ૨૨ વર્ષથી એટલે કે ૧૯૯૫થી રાજ કરી રહી છે. આ વર્ષે સ્થાનિક જાતિવાદી પરિબળો જેવા કે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર  અને જીજ્ઞેશ મેવાણી જેવા યુવાનોએ ભાજપ સરકાર સામે ચેલેન્જ ઉભી કરી છે ત્યારે પરિણામો વધુ રસપ્રદ બની રહે છે તે ચોકકસ છે. વજુભાઈ વાળા ગુજરાત પરત ફરી રહ્યાની અટકળોને વધુ હવા એટલે મળી છે કે કર્ણાટક રાજભવનના સત્તાવાર સુત્રોએ ડીસેમ્બર ૧૬મી સુધીમાં તમામ પેન્ડીંગ ફાઈલો કલીયર કરી દેવાની સૂચનાઓ આપી છે. આ નિર્દેશ રાજભવન ઓફિસના અધિકારીઓએ આપ્યો છે.

ભાજપની કેન્દ્રીય નેતાગીરી રાજ્યના મુખ્યમંત્રી તરીકે વજુભાઈ વાળાને મુખ્યમંત્રીની ગાડીમાં બેસાડી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં ૧૮૨ ધારાસભ્યો છે. ૧૪મી તારીખે ૯૩ બેઠકો માટેનું બીજા તબક્કાનું મતદાન થનાર છે. જ્યારે ૯મી ડીસેમ્બરે ૮૯ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં પેક થઈ ગયુ છે. આ તબક્કામાં ૬૬.૭૫ ટકા મતદાન થયાનો નિર્દેશ ચૂંટણી પંચે આપ્યો છે. ત્યારે આવતી સરકારમા વજુભાઈ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકેની ચર્ચાથી ભાજપમા વાતાવરણ ગરમાયુ છે. વજુભાઈ રાજકોટના વતની છે

અને નરેન્દ્રભાઈ મોદીને પોતાની સીટ ખાલી કરી આપી મુખ્યમંત્રી બનાવવામાં નિમિત બન્યા હતા તે ઉલ્લેખનીય છે.(૨.૧૭)

 

(3:17 pm IST)