Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

લોકોનો કોંગ્રેસમાં વિશ્વાસઃ ભવ્ય વિજય નક્કી

રાહુલ ગાંધીનો દાવો : અમદાવાદમાં પત્રકારોને સંબોધન : ભાજપ અને મોદી ઉપર તીખા પ્રહારો : મોદીને વળતો પ્રહાર કરતા કહ્યું કે, શું મંદિર જવું ગુન્હો છે? ૨૨ વર્ષમાં ગુજરાતને શું મળ્યુ? સૌએ વિચારવાની જરૂર

અમદાવાદ, તા. ૧૨ : કોંગ્રેસના યુવરાજ આજે અમદાવાદમાં છે, તેઓએ સવારે ભગવાન જગન્નાથપુરીના મંદિરે જઈ દર્શન કર્યા હતા. બાદમાં યોજેલ પત્રકાર પરિષદમાં ભાજપ અને મોદી ઉપર આકરા પ્રહારો કરતા કહ્યુ હતું કે, હું મંદિરો જાઉં છું એ શું ગુન્હો છે?, ૨૨ વર્ષના શાસનમાં ગુજરાતને શું મળ્યુ? તેઓએ જણાવ્યુ કે, લોકોને કોંગ્રેસમાં વિશ્વાસ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી બાદ જ નક્કી થઈ ગયુ છે કે કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે.

 

ગુજરાતમાં આજે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમનો આજે અંતિમ દિવસ છે ત્યારે કોંગ્રેસના અધ્યક્ષની પસંોગી થઈ ચૂકેલા રાહુલ ગાંધીએ ભાજપ અને મોદી ઉપર પ્રહારો કર્યા હતા. અમદાવાદમાં રાહુલે દાવો કર્યો કે, ગુજરાતની જનતાએ કોંગ્રેસ ઉપર ભરોસો કર્યો છે અને પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાન બાદ જ અમારા પક્ષની જીત સુનિશ્ચિત થઈ ગઈ છે. તેઓએ કહેલ કે, કોંગ્રેસનો જબરદસ્ત અન્ડર કરન્ટ છે અને ભાજપ ગભરાયેલુ છે.

રાહુલે કહ્યું કે, જયારે જયારે હું મંદિરોમાં જાઉ છું ત્યારે ગુજરાતના સોનેરી દિવસોની ભવિષ્યની કામના કરૂ છું, વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે સી પ્લેનમાં બેસી ચંૂટણી પ્રચાર કરતાં રાહુલે કહ્યું કે, ૨૨ વર્ષમાં ગુજરાતને શું મળ્યુ છે? ગુજરાતની ચૂંટણીમાં ભાજપ તરફથી પાકિસ્તાન સાથેની મીટીંગ અને મોદી સામેની આપત્તિજનક ટિપ્પણી મામલે કોંગી યુવરાજે કહ્યું કે, વડાપ્રધાન મોદી સામે ટિપ્પણી કરનાર મણીશંકર ઐયર સામે અમે પગલા લીધા છે. મોદી વડાપ્રધાન છે, તેઓની સામે આપત્તિજનક ટિપ્પણી ન કરો અને સહન નહીં કરીએ. રાહુલે કહ્યું કે, છેલ્લા ત્રણ - ચાર મહિનાથી હું ગુજરાતનો પ્રવાસ કરી રહ્યો છું હું બધાને મળ્યો, ખેડૂત, મજૂર, આશાવર્કર, ડોકટર, યુવાઓ, એન્જીનિયર આ તમામને મળ્યો. ગુજરાતનું વિઝન બનાવવા માટે શામ પિત્રોડાને પણ અમેરીકાથી બોલાવ્યા હતા. અમારૂ મુખ્ય લક્ષ્ય ૨૨ વર્ષોમાં મોદી અને રૂપાણીના નેતૃત્વમાં થયેલા એકતરફી વિકાસના મોડલને હટાવવાનું છે. વિકાસના આ મોડલને નાગરીકોને કશુ જ મળ્યુ નથી. ગુજરાતમાં ૯૦ ટકા કોલેજોનું ખાનગીકરણ થઇ ગયુ છે. લોકોએ પોતાના પુત્ર કે પુત્રીને એન્જિનયર કે ડોકટર બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. લોકો પાસે સારવાર કરાવવાની સુવિધા નથી. તેઓએ ફરી એક વખત નેનો પ્રોજેકટ વિશે ટોણો મારતા કહ્યુ કે, ટાટાની ફેકટરીને ૩૧ હજાર કરોડની લોન આપવામાં આવી આમ છતાં પણ નેનો ગાડી તો રસ્તા ઉપર દેખાતી જ નથી.

(3:14 pm IST)