Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

બીજા તબક્કાના ચૂંટણી જંગ માટેના જાહેર પ્રચાર પડઘમનો આજે સાંજથી અંત

ગુરૂવારે ૯૩ બેઠકો માટે મતદાનઃ ૧૪ જિલ્લામાં જામશે જંગ : નીતિન પટેલ, જયનારાયણ વ્યાસ, અલ્પેશ ઠાકોર સહિત ૮૫૧ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

નવી દિલ્હી તા. ૧૨ : ગુજરાતના ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટેની બીજા તબક્કાની ચૂંટણી ૧૪મીના ગુરુવારે યોજાશે. જેના પ્રચારના પડઘમ સાંજે પાંચના ટકોરે થંભી જશે. આ ચૂંટણીમાં ૩૫૦ અપક્ષો સહિત કુલ ૮૫૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. પ્રચારના પડઘમ શાંત થયા બાદ કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ ઉમેદવાર જાહેર સભા યોજી નહીં શકે કે જાહેરમાં ચૂંટણી પ્રચાર પણ કરી નહીં શકે. જોકે, ઉમેદવારો કે રાજકીય પક્ષોના કાર્યકરો મતદારોના ઘરે-ઘર જઈને પ્રચાર કરી શકશે.

સામાન્ય રીતે પ્રચાર પડઘમ શાંત થયા પછી ઉમેદવારોની માહિતી આપતી સ્લીપો મતદારોના ઘર સુધી પહોંચાડાતી હોય છે. પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે ૬૬.૭૫ ટકા જેટલું ઓછુ મતદાન થયા બાદ ચિંતિત રાજકીય પક્ષો બીજા તબક્કામાં પોત-પોતાની તરફેણમાં વધુ મતદાન થાય તે માટેની રણનીતિ અમલમાં મૂકવામાં લાગી જશે. નોંધનીય છે કે, જાહેર-પ્રચારનો તબક્કો પૂરો થયા બાદ કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવારના પ્રચાર માટે આવેલા પ્રચારકોને પણ જે તે વિસ્તાર છોડી જવું પડશે.

બીજા તબક્કાની ચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલ સામે મહેસાણાની બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. જોકે, આ બેઠક પરથી ૩૪ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જે બીજા તબક્કાની ચૂંટણીમાં સૌથી વધુ છે. એવી જ રીતે રાધનપુરની બેઠક પરથી ૧૭ ઉમેદવારો મેદાનમાં છે. અહીંથી ઓબીસી આંદોલનના નેતા અલ્પેશ ઠાકોર ચૂંટણી લડી રહ્યાં છે. જયારે વટવાની બેઠક પરથી ૧૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. અહીં, ગૃહ-રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા મેદાનમાં છે. સિધ્ધપુરની બેઠક પરથી ભાજપના સિનિયર પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ ચૂંટણી લડી રહ્યાં છે. આ બેઠક પરથી પણ ૧૩ ઉમેદવારો ઉભા છે.

(3:18 pm IST)