Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

મુંબઇમાં સ્ટાર્ટઅપ શરૂ કરનાર યુવતીએ ટાવર પરથી ઝંપલાવ્યુ

શંકાસ્પદ સંજોગોમાં મોતઃ સ્ટાર્ટ અપની માલિક હતી અર્પિતા

મુંબઈ તા. ૧૨ : તાજેતરમાં જ પોતાનુ સ્ટાર્ટઅપ શરૂ કરનાર ૨૪ વર્ષીય અર્પિતા તિવારી શંકાસ્પદ સંજોગોમાં મલાડના એક ટાવરના બીજા માળે ડકટ એરિયામાં મૃત અવસ્થામાં મળી આવી હતી. તિવારી અને તેનો બોયફ્રેન્ડ મલાડના ૧૯ માળના માનવસ્થળ એપાર્ટમેન્ટમાં ૧૫માં માળે રહેતા મિત્રોને મળવા પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું કે તિવારી પડી ગઈ હતી કે તેણે કૂદકો માર્યો હતો તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી થઈ. તેના મિત્રો અને બોયફ્રેન્ડની અત્યારે પૂછતાછ ચાલી રહી છે.

 

અર્પિતા તિવારીએ બે વર્ષ પહેલા ઈવેન્ટ અને એડવર્ટાઈઝિંગ માટે સ્ટાર્ટ અપ શરૂ કર્યુ હતુ. તે મીરા રોડ રહેતી હતી. તેણે બાંદ્રાની એક કોલેજમાં માસ મિડીયામાં બેચલર્સ ડીગ્રી મેળવી હતી અને ત્યાર પછી MBA કર્યું હતુ. ૨૦૧૨થી જ તેણે વિવિધ ઈવેન્ટ્સમાં એન્કરિંગ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. તે છેલ્લા પાંચ વર્ષથી તેના બોયફ્રેન્ડ સાથે રિલેશનશીપમાં હતી અને તેની સાથે જ લગ્ન કરવા માંગતી હતી. પોલીસના જણાવ્યા મુજબ તેના પરિવારને તેની આ રિલેશનશીપથી કોઈ વાંધો નહતો.

સોમવારે રાત્રે ૩ વાગ્યાની આસપાસ આ કપલ આ ટાવરમાં ભાડે રહેતા તેમના મિત્રોને મળવા આવ્યુ હતુ. તેમણે સાથે ફૂડ અને ડ્રિન્કસ એન્જોય કર્યા હતા અને ૪ વાગ્યે સૂવા જતા રહ્યા હતા. ૭ વાગ્યે ઊઠ્યા ત્યારે અર્પિતા કયાંય જોવા મળી હતી. તેણે જોયુ કે બાથરૂમનો ડોર લોક હતો અને ધારી લીધુ કે તે નહાતી હશે. તે અડધો કલાક પછી ઉઠ્યો તો પણ અર્પિતા કયાંય દેખાતી નહતી. ત્યાર બાદ તેણે તેના બોયફ્રેન્ડને ઉઠાડ્યો અને બંનેએ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો. જયારે તેમને કોઈ જવાબ ન મળ્યો ત્યારે તેમણે ડુપ્લિકેટ ચાવીથી બાથરૂમ ખોલ્યો. બાથરૂમ ખાલી હતો અને બારીના કાંચ હતા નહિ. અર્પિતા પડી ગઈ હોવાના ડરથી તેના બોયફ્રેન્ડ અને કેટલાંક મિત્રો સીડી પરથી નીચે જોવા ગયા.

સોસાયટીનો મેનેજર જણાવે છે, 'અમને વિચાર આવ્યો કે આ છોકરાઓ સવારે સાડા નવની આસપાસ શોધી શું રહ્યા છે. ત્યાર પછી અમને બીજા માળના ડકટમાં તિવારીની બોડી મળી અને અમે પોલીસને તરત જ જાણ કરી.' પોલીસ હાલમાં શેના કારણે અર્પિતાનું મૃત્યુ થયુ તે અંગે તપાસ કરી રહી છે. માનવસ્થલ સોસાયટીનો સિકયોરિટી ગાર્ડ કહે છે કે 'તિવારી અગાઉ પણ એક-બે વાર ફલેટની મુલાકાત લઈ ચૂકી છે.' ઉલ્લેખનીય છે કે આ ટાવરમાં અનેક જાણીતા ટીવી સેલેબ્સ અને કોર્પોરેટર રહે છે.પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે તિવારી અને તેના બોયફ્રેન્ડ વચ્ચે બધુ ઠીક ચાલી રહ્યુ હતુ કે નહિ. તેનો બોયફ્રેન્ડ એનિમેશન ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. પોલીસ અધિકારી જણાવે છે કે, 'તે પાછળ કોઈ ચિઠ્ઠી મૂકીને નથી ગઈ. અમે તેના સેલફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરી રહ્યા છે.' હાલમાં માલવાની પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ દર્જ કર્યો છે. પોસ્ટમોર્ટમમાં મૃત્યુનુ કારણ સ્પષ્ટ થાય તેવી શકયતા છે.(૨૧.૧૨)

 

(11:35 am IST)