Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

મોંઘીદાટ બી-સ્કૂલમાં ભણનારા માત્ર ૨૦ ટકા વિદ્યાર્થીઓને જ નોકરી મળે છે

નોટબંધી, ઔદ્યોગિક વિકાસનો નીચો દર અને નવા પ્રોજેકટ્સની સંખ્યામાં : ઘટાડાને કારણે બિઝનેશ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો ઘટી રહી છે

નવી દિલ્હી તા. ૧૨ : ઉદ્યોગ સંગઠન એસોચેમે જણાવ્યું છે કે બિઝનેસ સ્કૂલોને પોતાના વિદ્યાર્થીઓને રોજગારી અપાવવામાં ખાસ્સી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એસોચેમના જણાવ્યા મુજબ ૨૦ ટકા વિદ્યાર્થીઓને જ જોબ ઓફર્સ મળે છે. આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ખાસ્સુ પડકારજનક હતુ. નોટબંધી, ઔઘોગિક વિકાસનો નીચો દર અને નવા પ્રોજેકટ્સની સંખ્યામાં ઘટાડાને કારણે બિઝનેસ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો ઘટી રહી છે. ગયા વર્ષે ૩૦ ટકા વિદ્યાર્થીઓને જોબ ઓફર મળી હતી. બિઝનેસ સ્કૂલોમાં આ વર્ષે પણ ગ્રાફ નીચે જતો જોવા મળી રહ્યો છે.

એસોચેમના જણાવ્યા અનુસાર બિઝનેસ સ્કૂલ અને એન્જિનિયરિંગ કોલેજોના વિદ્યાર્થીઓને મળનારી સેલેરીમાં ૪૦થી ૪૫ ટકાનો ઘટાડો થયો છે. એસોચેમ એજયુકેશન કાઉન્સિલ (AEC)એ જણાવ્યું કે કોઈ કોર્સ પર ૩-૪ વર્ષ અને લાખો રૂપિયા ખર્ચ કરતા પહેલા હવે વિદ્યાર્થીઓ વિચાર કરતા થઈ ગયા છે.

ચેમ્બરે જણાવ્યું કે ૪૦૦થી વધુ સંસ્થાઓ પાછળ પડી ગઈ છે અને તેમને પૂરતા સ્ટુડન્ટ્સ પણ મળતા નથી. બિઝનેસ સ્કૂલ એન્જિનિયરિંગ કોલેજ સ્ટુડન્ટ્સને આકર્ષવામાં નિષ્ફળ ગયા છે. દિલ્હી- NCR, મુંબઈ, બેંગલોર, અમદાવાદ, કલકત્તા, લખનૌ, દહેરાદૂન સહિત અનેક મોટા શહેરોમાં ૨૦૧૫ પછી ૨૫૦થી વધુ સ્કૂલ બંધ થઈ ચૂકી છે. ૯૯ સ્કૂલ એવી છે જે બંધ થવાની અણી પર છે.

તેનુ મોટુ કારણ ઝડપથી વધતી બી સ્કૂલની સંખ્યા પણ છે. આ સ્કૂલો મેનેજમેન્ટ એજયુકેશનની ગુણવત્તા પર ધ્યાન આપતી નથી. ચેમ્બરે જણાવ્યું કે આવી ઈન્સ્ટિટ્યુટ માત્ર સીટ ભરવા પર જ ફોકસ કરે છે અને વિદ્યાર્થીઓની કવોલિટી પર ધ્યાન આપતી નથી. એસોચેમે સજેશન આપ્યું છે કે રિસર્ચ પર ધ્યાન આપવાની સાથે સાથે તેમણે ઈન્ફ્રાસ્ટ્રકચરમાં પણ સુધારો કરવો જોઈએ, શિક્ષકોને ટ્રેનિંગ આપવી જોઈએ અને ઈન્ડસ્ટ્રી સાથે તાલમેલ કરીને વિદ્યાર્થીઓને નોકરી મેળવવા લાયક બનાવવા જોઈએ.(૨૧.૧૪)

(11:32 am IST)