Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

યાત્રિકો આનંદો... મુસાફરી ખર્ચ ઘટવાના એંધાણ ટુર ઓપરેર્સને ટેકસ ક્રેડિટની મળશે મંજુરી

હોલી ડે બુકીંગ પરનો જીએસટીના દરમાં ઘટાડો થશે

નવી દિલ્હી, તા. ૧ર : સરકાર ટૂર ઓપરેટર્સને ટેકસ ક્રેડિટની મંજુરી આપવાનું વિચારી રહી હોવાથી આગામી દિવસોમાં મુસાફરીનો ખર્ચ ઘટવાની સંભાવના છે. ટેકસ ક્રેડિટને મંજૂરી આપવામાં આવે તો હોલિડેઝ બુકીંગ પર જીએસટીમાં ઘટાડો થશે. જીએસટી કાઉન્સીલની આગામી મીટીંગમાં આ મુદે ચર્ચા થવાની સંભાવના છે.

ઘટનાક્રમથી માહિતગાર અધિકારીએ જણાવ્યું હતું કે, કાઉન્સીલની છેલ્લી બેઠકમાં આ મુદો ચમકયો હતો, પણ તેનો નિર્ણય આગામી બેઠક પર છોડવામાં આવ્યો હતો. કાઉન્સીલ પાસે બે વિકલ્પ છે. એક, ઇનપુટ પર ચૂકવવામાં આવેલા ટેકસ પર ક્રેડિટ સાથે ૧ર ટકા લેવી, બીજો, પાંચ ટકા લેવી લાદીને ઇનપુટ સર્વિસીસ માટે ક્રેડિટ.

કાઉન્સીલ આગામી બેઠકમાં આ મુદે અંતિમ નિર્ણય લેશે. હાલમાં ટૂર ઓપરેટરોએ ટૂર પર પાંચ ટકાના દરેક ટેકસ ચૂકવવો પડે છે પણ તેમાં ઇનપુટ ટેકસ ક્રેડિટ નથી મળતી. સામાન્ય રીતે ટૂરમાં હોટેલ, લોકલ સાઇટસીઇંગ અને સ્મારકો કે જોવાલયક સ્થળોની એન્ટ્રીનો સમાવેશ થાય છે. છેલ્લી બેઠકમાં સ્મારકો માટેના એન્ટ્રી ચાર્જને જીએસટીમાંથી મુકિત આપવા આવી હતી તથા મોટા ભાગના ગાઇડ અનરજિસ્ટર્ડ હોવા છતાં ટૂર પર ૧પથી ર૦ ટકા ટેકસ છે એવી ઉદ્યોગની દલીલ છે. પસંદ કરવામાં આવેલી હોટેલ પ્રમાણે આ દર બદલાય છે. આ ટેકસ ઉપરાંત જીએસટી હોવાથી કુલ ટેકસ રપ ટકા સુધી પહોંચી જાય છે અને બીજા ઓપરેટરને પેકેજ વેચવામાં આવે તો આ દર હજુ વધી જાય છે. સામાન્ય રીતે, ટ્રાવેલ ઉદ્યોગ એકબીજા ઓપરેટરમાં ક્રોસ સેલિંગ પર નભે છે. એશિયાના દેશોમાં અસરકારક ટેકસ રેટ ૧૦ ટકા છે આને કારણે વિદેશીઓ માટે ભારતીય ટૂર પેકેજ મોંઘા બની જાય છે. આ મુદે ટૂર ઉદ્યોગે સરકારને રજૂઆત કરી છે. કર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કર બેવડાવાની સમસ્યાનો તાત્કાલીક ઉકેલ લાવવાની જરૂર છે. (૮.૪)

(11:32 am IST)