Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

એક ઉમેદવારને બે બેઠક પરથી ચૂંટણી લડતા રોકવા જરૂરી

ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટને કર્યુ સુચનઃ બે બેઠક પરથી ચૂંટાનાર વ્યકિત એક બેઠક ખાલી કરે છે અને સરકારી તિજોરી ઉપર ખર્ચનું ભારણ પડે છેઃ સુપ્રિમ કોર્ટ સુનાવણી માટે તૈયારઃ ત્રણ સપ્તાહ બાદ સુનાવણીઃ એક ઉમેદવારને બે બેઠક પરથી લડતો અટકાવવા કાયદામાં ફેરફાર કરવા થઇ છે અરજી

નવી દિલ્હી તા.૧ર : ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટને જણાવ્યુ છે કે, એક ઉમેદવાર બે બેઠક પરથી ચૂંટણી લડવો ન જોઇએ. પંચે કહ્યુ છે કે, એક ઉમેદવાર જયારે બે જગ્યાએથી જીતે છે અને બાદમાં એક બેઠક ઉપરથી રાજીનામુ આપી દયે છે. આનાથી ખર્ચનો વધારાનો બોજો પડે છે. ર૦૦૪ અને ર૦૧૬માં પણ આ બારામાં પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.

ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની બેન્ચે એટોર્ની જનરલ કે.કે.વેણુગોપાલને કહ્યુ છે કે તેઓ આ મામલામાં કોર્ટનો સહયોગ કરે. અદાલતે કહ્યુ છે કે, તે ત્રણ સપ્તાહ બાદ આ મામલાની સુનાવણી કરશે. અદાલતે ૧૩ ઓકટોબરે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટીસ જારી કરી જવાબ માંગ્યો હતો. કોર્ટમાં એક અરજી દાખલ કરી લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ-૩૩ (૭)ને પડકારવામાં આવેલ છે અને માંગ કરવામાં આવી છે કે સંસદ અને વિધાનસભા સહિત તમામ સ્તર પર એક ઉમેદવારને બે બેઠક પરથી ચૂંટણી લડતા અટકાવવામાં આવે.

ભાજપના નેતા અને અરજદાર અશ્વિની ઉપાધ્યાયે અરજીમાં કહ્યુ છે કે એક માણસ એક વોટની જેમ એક ઉમેદવાર એક બેઠકની ફોર્મ્યુલા થવી જોઇએ. લોકતંત્ર પણ કહે છે કે એક ઉમેદવાર એક જ જગ્યાએથી લડે. બે જગ્યાએથી ચૂંટણી લડનાર વ્યકિતએ એક બેઠક છોડવી પડે છે અને પેટા ચૂંટણી થવા પર સરકારી ખજાના પર બોજો પડે છે. એવામાં જન પ્રતિનિધિત્વ કાનૂનની એ સંભાવનાને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે જે હેઠળ એક ઉમેદવારને બે બેઠક પરથી ચૂંટણી લડવાની પરવાનગી આપવામાં આવે છે.(૩-૩)

(1:44 pm IST)