Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

પેન્શન-મનરેગા મજુરી વધારવા સૂચન

કોર્પોરેટ ટેક્ષનો દર ઘટાડો ૨૦ ટકા કરવા પણ સૂચન

નવી દિલ્હી તા.૧૨: અર્થશાસ્ત્રીઓએ બજેટ પહેલાની ચર્ચા-વિચારણાના એક ભાગરૂપે સામાજિક સુરક્ષા પેન્શનમાં વધારો કરવા સહિતના પગલાઓ આગામી અંદાજપત્રમાં લેવા માટે નાણા પ્રધાન અરૂણ જેટલીને સૂચનો કર્યા છે.

જાણીતા અર્થશાસ્ત્રી જીન ડ્રેઝીએ અહીં મિટીંગ બાદ નોંધ્યુ હતું કે રકમ (સામાજિક સુરક્ષા પેન્શન માટે) એક મહિનાની રૂપિયા ૨૦૦ રહી છે, તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

તે આટલી નીચી રાખવા માટેનું કોઇ કારણ નથી. આથી, તેને વધારીને ઓછામાં ઓછી રૂપિયા ૫૦૦, હું કહું છું કે ૧૦૦૦ કરવી જોઇએ, જો શકય હોય તો અને તેનું કવરેજ પણ વધારવું જોઇએ.

જો સિકયુરિટી પેન્શન વધારવામાં આવશે તો તેની રાજકોષીય ખાધ પર અસર નહીં પડે, તેના જવાબમાં તેમણે કહ્યું કે આ મામૂલી છે અને તેની ખાસ અસર નહીં પડે.

તેમણે એમ પણ સૂચવ્યું હતું કે માતૃતવિ અધિકારોનું સંપૂર્ણપણે અમલીકરણ કરવું જોઇએ, જે છેલ્લા ચાર વર્ષથી પેન્ડિંગ છે. પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ વિરમાણીએ જણાવ્યું હતું કે સરકારે કસ્ટમ્સ અને એકિઝમ ડ્યૂટી સુધારા હાથ ધરવા જોઇએ કેમ કે આ સેકટરમાં છેલ્લા દસ વર્ષથી સુધારા જોયા નથી.

વડાપ્રધાનની આર્થિક સલાહકાર કાઉન્સિલના સભ્ય, રાથ્નિ રોયના જણાવ્યાનુસાર, સરકાર રાજકોષીય ખાધના લક્ષ્યાંકને વળગી રહેશે તેવી અપેક્ષા છે. જેટલી ઉપરાંત, આ મિટીંગમાં નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ કે જેમાં નાણા સચિવ હસમુખ અઢિયા, મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણિયન, ખર્ચ સચિવ એ એન ઝા અને ફાયનાન્સિયલ સર્વિસીઝ સેક્રેટરી રાજીવકુમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અર્થશાસ્ત્રીઓએ કોર્પોરેટ ટેક્ષનો દર ૩૦ ટકાથી ઘટાડી ૨૦ ટકા કરવા પણ સૂચન કરી છે.

(11:12 am IST)