Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

મોદી પછી યોગી બન્યા સ્ટાર પ્રચારકઃ માત્ર ૪૮ કલાકમાં ૧૬ રેલીઓ સંબોધી

છેલ્લા દિવસોમાં ૧૬ રેલી અને રપ કિ.મી.નો રોડ શો યોજયોઃ ૪૬ જેટલી રેલીઓને સંબોધન કર્યુઃ બીન ગુજરાતીઓને આકર્ષવા પ્રયાસ કર્યોઃ પોરબંદરથી લઇને સુરત અને આણંદથી લઇને અમદાવાદ સુધી યોજી રેલીઓ

નવી દિલ્હી તા.૧ર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા એક સપ્તાહમાં અનેક ઇલેકશન રેલીઓ યોજીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તસ્વીર બદલાવીને રાખી દીધી છે. તેમણે ગુજરાતમાં રામ મંદિર અને સુપ્રિમ કોર્ટમાં સુન્ની વકફ બોર્ડ તરફથી કપીલ સિબ્બલ દ્વારા અયોધ્યા મામલાની સુનાવણી ટાળવાની માંગણી ઉપર સવાલ ઉઠાવ્યો હતો. આ કડીમાં મતદારોને આકર્ષવા માટે હવે ભાજપે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંપુર્ણ રીતે મેદાનમાં ઉતારી દીધા છે.

 

ભાજપે યોગી આદિત્યનાથની યાત્રાનો કાર્યક્રમ બનાવ્યો છે તેમાં ૧૬ રેલીઓ અને રપ કિ.મી.નો રોડ શો છે. મોટી વાત એ છે કે ૧૬ રેલી અને એક રોડ શો યોગી ૪૮ કલાકમાં કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ એક હેલીકોપ્ટર પર ત્રણ વખત ઉડશે અને રસ્તા ઉપર ૧૭પ૦ કિ.મી.ની યાત્રા કરી રહ્યા છે. તેમની અંતિમ રેલી અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં યોજાઇ રહી છે. આ વિસ્તારો એવા છે કે જયાં પશુપાલનની કૃષિ કરવાવાળા અને આદિવાસીઓની સંખ્યા વધુ છે.

ગુજરાત અને યુપી ભાજપના સુત્રોએ જણાવ્યુ છે કે, મોદીએ અહી પ૪ રેલીઓ કરી છે. યોગી હવે તેનાથી દુર નથી. યોગીની પોરબંદર અને સુરતથી લઇને આણંદ અને અમદાવાદ સુધી ૪૬ રેલીઓ યોજાઇ ચુકી છે.

ચૂંટણી માટે ભાજપે યોગી આદિત્યનાથને સ્ટાર પ્રચારક બનાવ્યા છે આની પાછળનું કારણ એ છે કે તેઓ ગુજરાતના વિસનગરના નાથ સંપ્રદાય સાથે જોડાયેલા છે. ભાજપના સુત્રોનુ કહેવુ છે કે, ગયા વર્ષે વિસનગર સ્થિત મઠના જે મહંત ગુલાબનાથ બન્યા છે તેઓ યોગીના ગુરૂ ભાઇ છે. ગયા વર્ષે છ ડિસેમ્બરે તેમની સંસ્કાર વિધિમાં યોગી હાજર રહ્યા હતા એટલુ જ નહી યોગી વર્ષમાં બે-ત્રણ વખત વિસનગરના મઠમાં આવે છે. ગુજરાતમાં તેમના અનેક અનુયાયીઓ છે. સુત્રોનુ માનીએ તો એ વિસ્તારોમાં યોગીને સાંભળવા વાળાની સંખ્યા મોદી કરતા વધુ હતી. યોગીના કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓને મળવાનુ પણ સામેલ હોય છે.

મહેસાણામાં મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જોરદાર મુકાબલો છે ભાજપ આ વિસ્તાર ઉપર ખાસ ધ્યાન મુકી રહ્યુ છે કારણ કે ત્યાં જ પીએમનું ઘર વડનગર પણ છે. યોગી ત્યાં નવુ ભાષણ આપીને અપીલ કરશે. તેમનુ ભાષણ આતંકવાદ અને કોંગ્રેસની સરકાર વખતે થયેલા ત્રાસવાદી હુમલા પર આધારિત હશે. યોગીના ભાષણમાં જીએસટી અને નોટબંધી પણ સામેલ હશે. જેમાં તેઓ જણાવશે કે નોટબંધી એ ત્રાસવાદનો ખાત્મો બોલાવ્યો છે.

ભાજપે સુરતમાં યોગીને મોકલવા પાછળ મોટી રણનીતિ બનાવી હતી ત્યાં એવા લોકો છે જેઓ ગુજરાતી નથી અને ત્યાં યુપી, બિહાર અને મ.પ્રદેશથી આવીને નોકરી કરતા લોકો છે એ બધાને આકર્ષવા યોગીએ પ્રયાસ કર્યો હતો.

(10:52 am IST)