Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ત્રણમાંથી કોણ બાઝીગર? ૧૮મીએ ફેંસલો

ગુજરાતની ચૂંટણી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ માટે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની સંભાવનાનો આકાર નક્કી કરશેઃ રસ્તો નક્કી કરશેઃ ચૂંટણી ઉપર ત્રણેયનું ભાવિ આવલંબે છેઃ ગૃહરાજ્યમાં પરાજયથી મોદીની ઇમેજ ખરડાશેઃ કોંગ્રેસની હાર થશે તો રાહુલની નેતાગીરી સામે સવાલો ઉભા થશેઃ ભાજપનો પ્રચંડ વિજય થશે તો હાર્દિકની રાજકિય કારકિર્દી સમાપ્ત થઇ જશે

નવી દિલ્હી તા. ૧૨ : ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે અને બીજા તબક્કાનું મતદાન ૧૪ ડિસેમ્બરે છે ત્યારે રાજયની બંને પ્રમુખ રાજકીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસે અમદાવાદ-ગાંધીનગરના ૨.૨૨ કરોડ મતદારોને આકર્ષવા માટે સોમવારે શહેરોમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો. પીએમ મોદીએ સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે રેલીને સંબોધી હતી તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગાંધીનગરમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. જયારે હાર્દિક પટેલે મંજૂરી ન હોવા છતા મોટી સંખ્યામાં સપોર્ટર્સ સાથે ૫૨ કિમીનો રોડ શો કર્યો હતો. આ ચૂંટણીમાં વડાપ્રધાન મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાસના હાર્દિક પટેલએ ત્રણમાંથી કોણ બાઝીગર બનશે એનો ૧૮મીએ ફેંસલો આવશે.

 

ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૧૭ની વાત છે ત્યારે મોદી અને રાહુલ ઉપરાંત હાર્દિક પટેલ ત્રીજો ચહેરો બન્યો છે જે ચૂંટણી દરમિયાન સૌથી વધુ જાહેરમાં દેખાયો હોય. ત્યારે આ ચૂંટણીના પરિણામ પર ત્રણેય નેતાઓનું ભુવિષ્ય અવલંબી રહ્યું છે. મોદી માટે જો ભાજપ ૨૦૧૨ની ૧૧૬ બેઠકો કરતા ઓછી લાવે તો પણ પોતાનો વિકાસ એજન્ડા સાબિત કરવામાં મુશ્કેલી જરૂર ઉભી થશે. કેમ કે ભાજપ દ્વારા જે વિશાળ જીતનો દાવો કરવામાં આવ્યો છે તે ન મળતા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેની અસર દેખાઈ શકે છે. એટલું જ નહિ મોદીની ઇમેજને પણ ફટકો પડશે.

જયારે સોમવારે જ જેમનું નામ કોંગ્રેસના પ્રમુખપદે જાહેર કરવામાં આવ્યું તેવા રાહુલ ગાંધી માટે ગુજરાત જીત બુસ્ટરનું કામ કરશે. જયારે ગુજરાતમાં હાર અથવા કોંગ્રેસની બેઠકોમાં ઘટાડો તેમની નેતાગીરી સામે એક મોટો પ્રશ્નાર્થ ઉભો કરશે. પક્ષના પ્રમુખ તરીકે ગુજરાતની ચૂંટણી રાહુલ માટે સૌથી પહેલી ચૂંટણી હશે. એટલા માટે કે પાછલા કેટલાક મહિનાઓથી રાજયમાં રાહુલ ગાંધી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે અને સમગ્ર ઇલેકશન મેનેજમેન્ટ તેમની આગેવાનીમાં થઈ રહ્યું છે ત્યારે તેનું પરીણામ ચોક્કસ રાહુલના ભાવી પર અસરકર્તા રહેશે.

જયારે રાજયના ત્રીજા સૌથી ચર્ચાસ્પદ ચહેરા તરીકે ઉભરેલો હાર્દિક, પાટીદાર અનામત આંદોલન અને કુખ્યાત 'સેકસગેટ' સ્કેન્ડલના કારણે આ ચૂંટણીમાં ખાસ્સી લાઈમલાઈટમાં રહ્યો છે. હાર્દિકે કોંગ્રેસનો સાથ દીધા બાદ આગામી ચૂંટણીના પરીણામો તેના આંદોલન અને રાજનૈતિક કારકીર્દી પર અસર કરશે. કેમ કે આગામી દોઢ વર્ષમાં હાર્દિક ચૂંટણી લડવા માટે કવોલિફાય થઈ જશે અને ૨૦૧૯ના લોકસભામાં ચૂંટણીમાં તે એકિટવ પોલિટિકસમાં ભાગ લઈ શકે છે. પરંતુ જો તેના દાવાઓ પ્રમાણે પાટીદાર આંદોલનની ભાજપની જીત પર કોઈ ખાસ અસર નહીં જોવા મળે તો હાર્દિકના રાજકીય ભવિષ્ય સામે પણ સવાલ ઉભો થઈ જશે.

ભાજપની પૈતૃક સંસ્થા રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ દ્વારા કરવામાં આવેલ આંતરિક સર્વે આધારે ભાજપ ૧૦૦-૧૧૦ બેઠકો જીતી શકે છે. સુરત અને સૌરાષ્ટ્ર તથા ઉત્ત્।ર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભાજપને હારનો સામનો કરવો પડી શકે છે. આ કારણે ગુજરાત ભાજપના ટોચના નેતાઓ જીતુ વાઘાણી, ભાર્ગવ ભટ્ટ અને રાજયકક્ષાના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ બીજા તબક્કાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન થાય તે માટે સ્થાનિક નેતાઓ સાથે બેઠકો કરવા મજબૂર બન્યા છે. કેમ કે પહેલા તબક્કામાં ૨૦૧૨ની અપેક્ષાએ ખાસ્સું ઓછું મતદાન નોંધાયું હતું. જોકે ભાજપના ટોચાના નેતાઓ દાવો કરી રહ્યા છે કે જે બેઠકો પર ઓછું મતદાન નોંધાયું છે તે પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પાટીદારો અનામત આંદોલનથી પ્રભાવિત નથી થયા.

જયારે ૧૯૯૫થી સત્તા બહાર રહેલી કોંગ્રેસને ગુજરાતમાં આ વખતે આશા દેખાઈ રહી છે. 'વિકાસ ગાંડો થયો છે', પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન અને દલિત આંદોલનના મુખ્યનેતાઓને પોતાના પક્ષે કરવામાં સફળ રહેલી કોંગ્રેસને રાજયમાં જબરજસ્ત જીતની આશા છે. ઓગસ્ટમાં રાજયસભા ચૂંટણીમાં ભાજપના તમામ ગણિતને ઉંધા પાડવાના કારણે પ્રદેશ કોંગ્રેસમાં પણ એક નવું જોમ આવ્યું છે. તો રાહુલ ગાંધીએ પણ ગુજરાત ચૂંટણીને ધ્યાને રાખી સોફટ હિંદુત્વ અપનાવતા રાજયના ૨૬ મોટા મંદિરોની મુલાકાત લીધી છે અને રેલીઓ કરી છે જેના આધારે કોંગ્રેસને આશા છે કે આ વખતે મેન્ડેટ તેમના ફેવરમાં હશે.

તો ગુજરાત પરીણામો પર સૌથી વધુ અસર પાટીદાર અનામત આંદોલનની જોઈ શકેશે કે નહીં તે તો પરીણામ આવશે ત્યારે ખબર પડશે પરંતુ જે રીતે હાર્દિક પટેલની રેલીઓમાં ભીડ ઉમટી રહી છે તે જોતા રાજયની રાજનીતિમાં હાર્દિક ચોક્કસપણે અસરકર્તા રહેશે તેટલું નક્કી છે.(૨૧.૧૧)

 

(10:51 am IST)