Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ચૂંટણી જંગમાં મોદી - રાહુલના તીખા પ્રહારો વચ્ચે 'મીઠા બોલ'

બિનહરીફ રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યા તેના પર મોદીએ રાહુલને શુભેચ્છાઓ પાઠવી આ પછી રાહુલે ટ્વીટ કરીને મોદીનો આભાર વ્યકત કર્યો

નવી દિલ્હી તા. ૧૨ : ગુજરાતમાં જબરજસ્ત ચૂંટણી પ્રચારમાં PM મોદી અને રાહુલ ગાંધી એકબીજાને નિશાના પર લેવામાં કોઈ કસર બાકી નથી રાખતા. એક તરફ મોદી પાકિસ્તાનના અધિકારીઓ સાથેની ગુપ્ત બેઠકોને લઈને કોંગ્રેસના નેતાઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એવું કહીને ટોણો મારે છે કે PM પાક અને ચીનની વાતો કરે છે પણ ગુજરાતને ભૂલી જાય છે.

 

આ બધાની વચ્ચે PM મોદીએ રાહુલને શુભકામનાઓ પાઠવી છે અને રાહુલ ગાંધીએ ટ્વીટના માધ્યમથી મોદીનો આભાર પણ માન્યો છે. બિનહરીફ રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યા તેના પર મોદીએ રાહુલને શુભેચ્છાઓ પાઠવી આ પછી રાહુલે ટ્વીટ કરીને મોદીનો આભાર વ્યકત કર્યો.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું, 'હું રાહુલજીને કોંગ્રેસના અધ્યક્ષ બનવા પર શુભેચ્છા પાઠવું છું. તેમના કાર્યકાળ માટે મારી શુભકામનાઓ.' આ પછી રાહુલ ગાંધી ટ્વીટ કર્યું,  'તમારી શુભેચ્છાઓ માટે આભાર મોદીજી' જોકે, સોમવારે સભાઓ દરમિયાન વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી બન્ને એકબીજા પર તીખા હુમલા કરતા રહ્યા હતા.

રાહુલે ભાજપના અધ્યક્ષ અમિત શાહના દીકરા જય શાહની કંપની પર મૌન રહેવા પર મોદી પર સવાલ ઉઠાવ્યા. દાવો કર્યો કે તેમની કંપનીનું ટર્ન ઓવર ભાજપના કેન્દ્રમાં સત્તારૂઢ થયા બાદ ઘણો વધારો થયો. રાહુલે કહ્યું, 'મોદી ગુજરાતમાં પોતાના પ્રચારના મુદ્દા સતત બદલતા રે છે. પહેલા નર્મદાના પાણી પર વાત કરવામાં આવી પણ જયારે ખેડૂતોએ કહ્યું કે તેમના ખેતરોમાં પાણી નથી પહોંચી રહ્યું તો તેમણે પાટા બદલી નાખ્યા અને ઓબીસી મુદ્દા પર બોલવા લાગ્યા. જયારે લોકોએ તેને પણ પસંદ ન કર્યો તો તેઓ વિકાસ મુદ્દા પર ચાલ્યા ગયા પણ લોકોએ તેની હવા કાઢી દીધી.'

બનાસકાંઠામાં સંબોધેલી સભામાં રાહુલે કહ્યું, 'જયારે મોદીજી અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન અને જાપાનની વાત કરે છે. મોદીજી, આ ચૂંટણી ગુજરાતના ભવિષ્યને લઈને છે. મહેરબાની કરીને ગુજરાત વિશે કશુંક બોલો. રાહુલનો ઈશારો સાફ રીતે મોદીના કાલના નિવેદન પર હતો જેમાં તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન ગુજરાત વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને મણિશંકર ઐયરના નીચવાળા નિવેદનના એક દિવસ પહેલા ઐયરના નિવાસ્થાન પર તે દેશના કેટલાક વર્તમાન અને પૂર્વ અધિકારીઓની બેઠક થઈ હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પાછલા દિવસોમાં પોતાના ભાષણમાં વડાપ્રધાન પોતાનો અડધો સમય કોંગ્રેસની નિંદા કરવામાં પસાર કરે છે.'

રાહુલે કહ્યું કે, જો કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં આવે છે તો દસ દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. બીજી તરફ મોદીએ કહ્યું કે, ગુજરાતમાં પરિવર્તન દરેક માટે છે પણ અફસોસની વાત એ છે કે, કોંગ્રેસની ધારણા માત્ર ઝડપથી રુપિયા બનાવવાવાળી છે. તેમણે કહ્યું, 'આ કારણે તેઓ બદલાવ કરવામાં અસમર્થ છે.'

 

(9:14 am IST)