Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

૧૬મીથી કમૂરતા બેસશેઃ શુભ કાર્યો મહિનો બંધ

આ સમયમાં ધાર્મિક આયોજનો, યજ્ઞ, હવન, તપ, જપ, પૂજા, આરાધના આદિ કરવાનો વિશેષ મહિમા છે

નવી દિલ્હી તા. ૧૨ : હિન્દુ શાસ્ત્રો અને જયોતિષ શાસ્ત્ર પ્રમાણે વર્ષેદહાડે સર્જાતા ગ્રહ, નક્ષત્ર અને તિથિના શુભ સંયોગોમાં લગ્ન, હવન, યજ્ઞા, ઉજવણી સહિતના શુભ કાર્યો ચોક્કસ સંયોગોમાં જ પાર પાડવામાં આવે છે. જયારે કેટલાક સંયોગો શુભ કાર્યો માટે વર્જીત ગણવામાં આવે છે. આવા જ એક અશુભ સંયોગનો મહિનો ગણાતા કમુરતા હાલ ૧૬ ડિસેમ્બરથી શરૂ થશે. દરમિયાન લગ્ન સહિતના શુભ કાર્યો પર એક મહિનો રોક લાગી જશે. સૂર્ય શનિવારે વહેલી સવારે ૩ કલાકે વૃશ્ચિકમાંથી ધન રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ કમુરતા શરૂ થશે. જોકે, પિતા-પુત્ર હોવા છતાં કટ્ટર શત્રુ ગણાતા સૂર્ય અને શનિ એક જ રાશિમાં એક માસ સુધી રહેવાના હોય સારા-નરસા પરિણામો લાગી શકે છે. જયોતિષ શાસ્ત્ર પ્રમાણે, સૂર્ય ૧૬ ડિસેમ્બરના શનિવારે વહેલી સવારે ૩ કલાકે વૃશ્યિક રાશિમાંથી ધન રાશિમાં આવશે.

ધન રાશિ સૂર્યના મિત્ર ગુરુની રાશિ છે, પરંતુ હાલ ધન રાશિમાં સૂર્યપુત્ર અને પ્રબળ શત્રુ એવો શનિ બિરાજમાન છે. સૂર્યના ધન રાશિમાં પરિવર્તન સમયે અનુરાધા નક્ષત્ર રહેશે. આ નક્ષત્ર શનિનું છે. તે સમયે બુધ પૂર્વ દિશામાં ઉદય થશે અને શુક્ર અસ્ત થઇ જશે. શનિવારે સવારે ૭.૧૦ કલાકે સૂર્યોદય થશે અને બે મિનિટ પછી ૭.૧૨ કલાકે ભદ્ર બેસી જશે. આ ભદ્રા રાત્રિએ ૮.૨૦ વાગ્યા સુધી ચાલશે. સૂર્ય સંક્રાંતિનો પુણ્ય કાળ બપોરે ૧૨.૩૪ સુધી રહેશે. સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થવાની સાથે જ કમુરતા શરૂ થાય છે. ૧૬મીએ સવારે ધનમાં પ્રવેશ બાદ સૂર્ય ૧૪ જાન્યુઆરી, ૨૦૧૮ના બપોરે ૧.૪૬ વાગ્યા સુધી ધન રાશિમાં રહેશે. ત્યાર બાદ મકર રાશિમાં પ્રવેશ કરશે.

જોકે, કમુરતાના મહિનામાં શુભ, મંગળ કાર્યો કરવાનો નિષેધ ગણાય છે. જેને પગલે લગ્ન, ઉદઘાટન, નવી ખરીદી સહિતના શુભ કાર્યો કરવામાં આવશે નહીં. આ સમયમાં ર્ધિામક આયોજનો, યજ્ઞ, હવન, તપ, જપ, પૂજા, આરાધના આદિ કરવાનો વિશેષ મહિમા છે. કારણ કે, આ સમયમાં કરેલી પૂજા, સાધના ઝડપથી સિદ્ઘ થાય છે અને સફળતા મળે છે. બીજું કે, જયોતિષી દૃષ્ટિકોણથી પિતા-પુત્ર, પણ કટ્ટર શત્રુ ગણાતા સૂર્ય-શનિ એક માસ સાથે ધન રાશિમાં રહેશે. ૭ જાન્યુઆરી સુધી શનિ અસ્ત રહેશે. સાંજે ૫.૫૫ સુધી શનિ ઉદય થશે અને સૂર્ય સાથે દ્યર્ષણનો આરંભ કરશે. જેથી ૭ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુધીમાં માર્ગ અકસ્માત, આતંકી ઘટનાઓ, હિંસાના બનાવોની આશંકા છે. આ દરમિયાન સૂર્ય-શનિનો રાહુ સાથે ષડાષ્ટક યોગ પણ દુર્ઘટનાઓની શકયતા વધારે છે. આ સિવાય રાજકીય માહોલ ગરમાશે. વિવાદો, આરોપોનો દોર ચાલે એવી સંભાવના પણ રહેશે.

(9:11 am IST)