Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

હવે ભારતના સ્ટેડિયમમાં જ દર્શકો માણી શકશે મેચની મજાઃ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ૧૭ નવેમ્બરે ઇતિહાસની પ્રથમ ટી-૨૦ મેચ રમાશે, જેમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે

રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશને દર્શકોની હાજરીમાં મેચના આયોજનની તૈયારીઓ શરૂ કરી દીધી

મુંબઇઃ ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખૂબ સારા સમાચાર છે. દેશમાં ક્રિકેટ અનલોક થવા જઈ રહ્યું છે, કારણ નવેમ્બર મહિનો ક્રિકેટ એક્શનથી ભરપૂર રહેવાનો છે.

આ મહિનામાં ક્રિકેટનો ફીવર ચરમસીમાએ રહેશે. નવેમ્બરમાં ક્રિકેટ વિશ્વને ટી-૨૦ વર્લ્ડકપ, ૨૦૨૧નો વિજેતા મળવાનો છે. ઉલ્લેખનીય છે કે ૧૪ નવેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેગા ઈવેન્ટની ફાઇનલ રમાવાની છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રિકેટ મેચનું આયોજન થઈ શક્યું નહોતું. કોરોનાને કારણે આઇપીએલનો બીજો તબક્કો તેમજ ટી-૨૦ વર્લ્ડકપ બીસીસીઆઇએ યુએઈ ખાતે ખસેડવો પડ્યો હતો.

હવે ન્યૂઝીલેન્ડના આ પ્રવાસ સાથે ભારતના રમતપ્રેમીઓનો ઇંતેજાર ખતમ થશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ૧૭ નવેમ્બરે ઇતિહાસની પ્રથમ ટી-૨૦ મેચ રમાશે, જેમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશને દર્શકોની હાજરીમાં મેચના આયોજનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજસ્થાન સરકારે કોરોનાની નવી ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે, જેમાં ૧૦૦ ટકા ક્ષમતા સાથે રમતગમત સ્પર્ધાના આયોજનની મંજૂરી આપવામાં આવી છે. ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન આરટીપીસીઆર ટેસ્ટ અથવા વેક્સિનેશન સર્ટિફિકેટ દર્શાવનારા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે.

ટી-૨૦ વર્લ્ડકપ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને આરામ કરવાની તક નહીં મળે, કારણ કે ૧૪ નવેમ્બરે ટી-૨૦ વર્લ્ડકપ સમાપ્ત થયાના ત્રણ દિવસ બાદ જ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ઘરેલુ શ્રેણી રમશે. ન્યૂઝીલેન્ડના આ ભારત પ્રવાસ દરમિયાન ત્રણ ટી-૨૦ મેચ અને બે ટેસ્ટ મેચ રમાશે. ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી-૨૦ શ્રેણીનું પરિણામ તો નવેમ્બરમાં જ આવી જશે. આ સાથે પ્રથમ ટેસ્ટ મેચ પણ નવેમ્બરમાં જ પૂરી થઈ જશે.

ટેસ્ટ ક્રિકેટમાં ભારત-ન્યૂઝીલેન્ડની ટક્કર છેલ્લે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં થઈ   હતી. સાઉથમ્પ્ટનમાં રમાયેલી એ ફાઇનલમાં ભારતને આઠ વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસનો કાર્યક્રમ આ મુજબ રહેશે

• 17 નવેમ્બરઃ પ્રથમ ટી-20 મેચ, સાંજે 7.30 વાગ્યે, જયપુર

• 19 નવેમ્બરઃ બીજી ટી-20 મેચ, સાંજે 7.30 વાગ્યે, રાંચી

• 21 નવેમ્બરઃ ત્રીજી ટી-2૦ મેચ, સાંજે 7.30 વાગ્યે, કોલકાતા

• 25થી 29 નવેમ્બરઃ પ્રથમ ટેસ્ટ મેચ, સવારે 10.૦૦, કાનપુર

• 9થી 7 ડિસેમ્બરઃ બીજી ટેસ્ટ મેચ, સવારે 1૦.૦૦, મુંબઈ

(5:35 pm IST)