Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

કોરોનાની લડાઇમાં કોવેકિસન ૭૭.૮ ટકા અસરકારક

મેડ ઇન ઇન્ડિયા વેકિસનનો વિદેશમાં પણ દબદબો : લોન્સેટની સ્ટડીમાં ખુલાસો

નવી દિલ્હી તા. ૧૨ : ભારતની સ્વદેશી રસી 'કોવેકસીન' માટે વધુ એક સારા સમાચાર છે. પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મંજૂર અને હવે ધ લેન્સેટે ભારત બાયોટેકની કોવેકસીનને 'અત્યંત અસરકારક' તરીકે રેટ કર્યું છે. મેડિકલ જર્નલ ધ લેન્સેટના નવા અભ્યાસમાં જણાવાયું છે કે ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવિડ-૧૯૧૯ રસી 'અત્યંત અસરકારક' છે અને તે સંપૂર્ણપણે સલામત છે. કોવેકસીનના ત્રીજા તબક્કાના ટ્રાયલ ડેટામાં કોઈ સલામતીની ચિંતાનો ઉલ્લેખ નથી.

લેન્સેટે જણાવ્યું હતું કે ભારત બાયોટેકની કોવેકસીન લક્ષણોવાળા કોરોના દર્દીઓ સામે ૭૭.૮% અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. લેન્સેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રસીના બંને ડોઝ આપ્યાના બે અઠવાડિયા પછી રસીએ મજબૂત એન્ટિબોડી પ્રતિસાદ આપ્યો હતો. મેડિકલ જર્નલે જણાવ્યું હતું કે નવેમ્બર ૨૦૨૦ અને મે ૨૦૨૧ વચ્ચે ભારતમાં ૧૮-૯૭ વર્ષની વયના ૨૪૪૧૯ સ્વયંસેવકોને સંડોવતા કોવેકિસન ટ્રાયલ દરમિયાન કોઈ રસી સંબંધિત મૃત્યુ અથવા કોઈ ગંભીર પ્રતિકૂળ ઘટનાઓ નોંધાઈ નથી.

લેન્સેટે ભારત બાયોટેકની કોવેકસીનના ત્રીજા તબક્કા માટેનો ડેટા જાહેર કર્યો છે. આ મુજબ, ભારતની સ્વદેશી રસી માત્ર કોવિડ-૧૯ સામે સલામત અને અસરકારક નથી, પરંતુ તે ડેલ્ટા વેરિઅન્ટ સામે ૬૫.૨ ટકા અસરકારક પણ છે. એટલું જ નહીં, આ રસી ગંભીર કોવિડ-૧૯ સામે ૯૩.૪ ટકા અસરકારક છે. કોવેકસીન ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સંયુકત રીતે વિકસાવવામાં આવી છે.

તાજેતરમાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ઈમરજન્સી એપ્રુવલ લિસ્ટમાં કોવાકસીનનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેના ઉપયોગને અત્યાર સુધીમાં ૧૭ દેશો દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કોવેકિસન આમ વિશ્વ આરોગ્ય દ્વારા Pfizer/BioNtech, Moderna, AstraZeneca, Johnson & Johnson, Sinopharm અને Sinovac દ્વારા ઉત્પાદિત એન્ટી-COVID રસીઓની મંજૂર સૂચિમાં જોડાય છે.

(10:24 am IST)