Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

શું સોનીયા-મેનકા પરિવાર ફરી એક થશે?: દેશના રાજકીય વર્તુળોમાં ચર્ચા

મેનકા ગાંધીના મહિલા મંત્રાલયમાં સોનીયાની હાજરી અને વાઘણ ''અવની''ના મોત અંગે ભત્રીજા રાહુલે વિરોધ કરી કાકી મેનકાને સાથ આપેલ

નવી દિલ્હીઃ દેશના રાજકીય વર્તુળોમાં ચર્ચા મુજબ બંન્ને ગાંધી (સોનીયા-મેનકા) પરિવાર ફરી એક થઇ શકે છે. તેવો એક રાષ્ટ્રિય અખબારમાં છપાયેલ લેખમાં આ અંગેનો ઉલ્લેખ કરવામાં આવેલ. છેલ્લા ઘણા વર્ષોથી સોનીયા-મેનકા પરિવાર અલગ થઇ ગયા છે. સોનીયા ગાંધીએ વારસાગત રીતે કોંગ્રેસમાં રહી પોતાની રાજકીય સફર આગળ વધારી જયારે મેનકા ગાંધી અને પુત્ર વરૂણે ભાજપમાં જોડાયા હતા.

હમણાં જ નરભક્ષી વાઘણ ''અવની'' ને મારી નાખવાના બનાવ બાદ કેન્દ્રીય મહિલા-બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ મહારાષ્ટ્રના વનમંત્રી સુધીર મુંગતીવાર ઉપર ટ્વીટર અને જાહેર રૂપે નિવેદનો કરી સરકારને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગણી કરેલ.

પોતાની જ પાર્ટીમાં ખટરાગના કારણે હાલ મેનકા ગાંધી ચર્ચામાં છે. જયારે સુધીર મુંગતીવારને મહારાષ્ટ્ર કેબીનેટના કદાવર મંત્રી ઉપરાંત સંઘના જુના અને વફાદાર માનવામાં આવે છે. બીજી તરફ મેનકાના પુત્ર વરૂણ ગાંધી પણ ભાજપ હાઇ કમાન્ડથી પોતાને ઘણા સમયથી અલગ કરી ચુકયા છે. તેમણે ગયા વર્ષે ઉત્તર પ્રદેશમાં યોજાયેલ ધારાસભાની ચૂંટણીમાં પણ પ્રચાર કર્યો ન હતો.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનીયા ગાંધી પણ હાલમાં મેનકા ગાંધીના મહિલા -બાળ વિકાસ મંત્રાલયના એક કાર્યક્રમમાં હાજર રહેલ. જો કે મેનકા આ કાર્યક્રમમાં હાજર ન હતા. પણ સોનીયા લાંબો સમય કાર્યક્રમમાં રોકાયા હતા. સોનીયા ગાંધીનું મેનકા ગાંધીના કાર્યક્રમમાં હાજર રહેવું ચર્ચાનો વિષય બનેલ.

આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વાઘણ ''અવની''ના મોત અંગે વિરોધ કરી કાકી મેનકા ગાંધીને સાથ આપ્યો હતો. ઉપરોકત બન્ને ઘટનાઓ બાદ ભાજપમાં જ બંન્ને પરિવારો એક થઇ રહયાની અટકળો લગાવાઇ રહી છે.

(11:27 am IST)