Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

સાતમી બેઠક વચ્ચે LAC પર 60 હજાર સૈનિકો ખડક્યા બાદ ચીને 50 ટેન્કો તૈનાત કરી દીધી

ભારત સાથે વાટાઘાટોના બહાને ચીન સરહદ પર યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે. !!

 દિલ્હી :ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં તણાવપૂર્ણ સ્થિતિ હળવી કરવા માટે સોમવારે ચુશુલમાં બંને દેશના સૈન્ય કમાન્ડરોની ઉચ્ચ સ્તરીય સાતમી બેઠક યોજાશે. આ બેઠકમાં ભારત ચીનને દરેક પોઈન્ટ પરથી તેના સૈન્યને પાછું હટાવવાની કામગીરી વહેલી તકે કરવા પર ભાર મૂકશે. જોકે, ભારત સાથે વાટાઘાટોના બહાને ચીન સરહદ પર યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે.

ચીને સરહદ પર 60 હજારથી વધુ સૈનિકો ખડકવાની ખડક્યા છે તેવા અહેવાલોની સાથે હવે લદ્દાખમાં એલએસીની ખૂબ જ નજીક ચીને 50થી વધુ ટેન્કો પણ ખડકી દીધી છે. ભારત અને ચીન વચ્ચે પૂર્વીય લદ્દાખમાં તંગદીલી થોડીક પણ હળવી થતી હોવાનું વર્તમાન સંજોગો પરથી જણાતું નથી. ચીન ભારત સાથે વાટાઘાટો કરવાની સાથે દિવસે ને દિવસે સરહદે મોટી સંખ્યામાં સૈનિકો અને ટેન્કોનો ખડકલો કરી રહ્યું છે.

કેટલાક અહેવાલો મુજબ ચીને દેપસાંગ વિસ્તારમાં સૈનિકોની સાથે ટેન્કો પણ તૈનાત કરી દીધી છે. ચીને દેપસાંગ સેક્ટરમાં 25 વધારાની ટેન્કો અને 25 જેટલા ઈન્ફ્રન્ટ્રી કોમ્બેટ વ્હિકલ તૈનાત કર્યા છે. આ વિસ્તારમાં અગાઉથી જ ચીનના 3,000થી વધુ સૈનિકો અને 50 જેટલી ટેન્કો તૈનાત છે.

ચીને આ વિસ્તારમાં જમીન પરથી હવામાં પ્રહાર કરી શકાય તેવા મિસાઈલ, ઓટોમેટિક ગન્સ, રોકેટ લોન્ચર સિસ્ટમ અને એર ડિફેન્સ સિસ્ટમ પણ તૈનાત કરી દીધી છે. ચીને મધ્યમ રેન્જના એચક્યુ-16 અને થોડીક લાંબી રેન્જના એચક્યુ-9 મિસાઈલો પણ આ સેક્ટરમાં ગોઠવી દીધા છે.

દેપસાંગ વિસ્તારમાં ટેન્કો અને આર્મર્ડ વ્હિકલ્સને સરળતાથી ગોઠવી શકાય છે. જોકે, પેંગોંગ લેકના ઉત્તરીય ભાગોમાં સૈન્ય ગોઠવણીમાં કોઈ ફેરબાર નથી થયો. જોકે, ત્યાં પણ ચીને 5,000થી વધુ સૈનિકોનો ખડકલો કરી દીધો છે. ચીને આ વિસ્તારમાં કેટલીક તોપો પણ ગોઠવી છે.

(11:21 am IST)