Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

૮૦ ટકા પરિવારોના ગજા બહાર હોય છે કોરોનાના ઇલાજનો ખર્ચ

કોરોનાના ઇલાજની ખર્ચની સીમા સરકારે નક્કી કરી હોવા છતાં ખર્ચ અનેકગણો વધારે આવતા પરિવાર સંકટમાં મુકાય જાય છેઃ હોસ્પિટલોનો ૧૦ દિવસનો ખર્ચ મોટાભાગના પરિવારોની માસિક આવકથી અનેક ગણો વધારે આવતો હોય છે : મોટાભાગના પરિવારો ખર્ચ સહન કરી શકતા નથી

નવી દિલ્હી તા. ૧૨ : કોરોના વાયરસથી સંક્રમિત કોઇપણ વ્યકિત માટે હોસ્પિટલમાં ઇલાજ કરાવવાનું કામ સરળ નથી. કોવિડ-૧૯ના ઇલાજનો ખર્ચો ઘણો બધો આવે છે જેને કારણે લોકોમાં સરકાર પ્રત્યે ગુસ્સો પણ છે. આ ગુસ્સાને ધ્યાનમાં રાખી મોટાભાગના રાજ્યોએ કોરોનાના ઇલાજના ખર્ચ પર એક સીમા નક્કી કરી દીધી છે. માસિક ખર્ચ પર સત્તાવાર આંકડા અને ઇલાજની રકમનું વિશ્લેષણ કરી એવું સામે આવ્યું છે કે ૮૦ ટકાથી વધુ પરિવાર કોઇ એક સભ્યના કોરોનાના ઇલાજને કારણે ભારે સંકટનો સામનો કરી રહ્યો છે. ઇલાજની એક સીમા નક્કી થયા બાદ પણ ૧૦ દિવસના ઇલાજના બીલ તેમના માસિક ખર્ચથી પણ અનેકગણા વધી જાય છે.

૨૦૧૭-૧૮ના એક સત્તાવાર આંકડા અનુસાર દેશની ૮૦ ટકા વસ્તી પ્રતિ વ્યકિત રૂ. ૫૦૦૦નો માસિક ખર્ચ કરે છે અને પાંચ સભ્યોનો પરિવાર હોય તો સરેરાશ ૨૫,૦૦૦નો માસિક ખર્ચ થાય છે. દિલ્હીમાં આઇસોલેશન બેડનો ૧૦ દિવસનો ખર્ચ રૂ. ૮૦,૦૦૦ થાય છે જે ૮૦ ટકા લોકો તરફથી થઇ રહેલા માસિક ખર્ચના ૩ ગણા છે. જો કોઇ કોરોનાનો દર્દી ગંભીર હોય તો તેને આઇસીયુમાં વેન્ટીલેટરની જરૂર પડે છે અને બે-ત્રણ સપ્તાહ માટે ઇલાજનો ખર્ચો લાખો રૂપિયામાં ચાલ્યો જાય છે.

૨૦ રાજ્યોમાં કોરોના માટે આઇસોલેશન બેડ, વેન્ટીલેટર વિના આઇસીયુ અને વેન્ટીલેટર સાથે આઇસીયુના ખર્ચની તુલના કરવા પર એવું જણાય છે કે ઇલાજની એક સીમા નક્કી થયા બાદ પણ ૮૦ ટકા લોકો કોરોના ઇલાજ માટેના ખર્ચનો બોજો ઉઠાવી શકતા નથી.

દિલ્હીમાં આઇસોલેશન બેડ માટે ૮૦ હજાર રૂપિયા, વેન્ટીલેટર વગર આઇસીયુ માટે ૧.૩૦ લાખથી ૧.૫૦ લાખ રૂપિયા અને વેન્ટીલેટર સાથે આઇસીયુ માટે ૧.૫૦ લાખથી ૧.૮૦ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે ત્યાં ૮૦ ટકા લોકોનો માસિક ખર્ચ ૨૫ હજાર રૂપિયા છે. જ્યારે પંજાબમાં આવા બેડ માટે ૮૦ હજારથી ૧ લાખ રૂપિયા અને વેન્ટીલેટર વગર આઇસીયુ સાથે ૧.૩૦ થી ૧.૫૦ લાખ રૂપિયા અને વેન્ટીલેટર સાથે આઇસીયુ સાથે ૧.૫૦ લાખ થી ૧.૮૦ લાખ રૂપિયાનો ખર્ચ આવે છે અને ત્યાં માસિક ખર્ચ ૧૮ હજાર રૂપિયા છે.

એક સર્વે અનુસાર નોન કોવિડના દોરમાં પણ ફકત ૪૨ ટકા દર્દી સરકારી હોસ્પિટલોમાં ઇલાજ કરવા જતા હોય છે. સરકારી હોસ્પિટલોથી રિફર કરવામાં આવેલા દર્દીઓ અને સરકારી હેલ્થ સ્કીમો હેઠળ આવતા દર્દીઓ માટે ઇલાજ પર ખર્ચની સીમા છે.

(10:48 am IST)