Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કોરોના વાયરસનો કહેર ભારતમાં ધીમો પડી રહ્યો છે

કુલ મૃત્યુઆંક ૧,૦૮,૩૩૪ થઈ ગયો : ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ૭૦ લાખને પાર થઈ ગઈ છે જ્યારે ૬૦ લાખથી વધુ લોકો સાજા થયા

cનવી દિલ્હી,તા.૧૧  : ભારતમાં કોરોના વાયરસથી સાજા થનારા દર્દીઓની સંખ્યા ૬૦ લાખના આંકડાને પાર થઈ ગઈ છે, જ્યારે સતત આઠમાં દિવસે કોરોનાથી ૧૦૦૦થી ઓછા લોકોના મોત થયા છે. દેશમાં કોવિડ-૧૯ના એક્ટિવ કેસની સંખ્યા સતત ત્રીજા દિવસથી નવ લાખના આંકડાથી ઓછી નોંધાઈ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૯૧૮ લોકોના મૃત્યુ થયા બાદ કુલ મૃત્યુઆંક ૧,૦૮,૩૩૪ થઈ ગયો છે. ભારતમાં કોવિડ-૧૯થી સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ ઉપરાંત ભારત કોરોનાના દર્દીઓના મોટી સંખ્યામાં ચેપમુક્ત થવાની સાથે વિશ્વમાં ટોચના સ્થાને છે. મંત્રાલયે જણાવ્યું છે કે જે ટોચના પાંચ રાજ્યોમાં કોરોનાના સૌથી વધારે દર્દીઓ છે ત્યાં અડધાથી વધારે દર્દીઓ સાજા થયા છે. આ પાંચ રાજ્યોમાં કુલ એક્ટિવ કેસ ૬૧ ટકા છે જ્યારે ૫૪.૩ ટકા દર્દીઓ સાજા થયા છે. મંત્રાલયની વેબસાઈટ પર સવારે આઠ વાગ્યે જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોવિડ-૧૯માંથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ભારતમાં અત્યાર સુધી ૬૦,૭૭,૯૭૬ દર્દીઓ સાજા થઈ ગયા છે.

        આ રીતે ચેપમુક્ત થવાનો દર ૮૬.૧૭ ટકા છે. જ્યારે કોરોનાના ૭૪,૩૮૩ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૭૦ લાખને પાર થઈ ગઈ છે. ભારતમાં કોરોનાના ૭૦,૫૩,૮૦૬ દર્દીઓ છે. મંત્રાલયે કહ્યું છે કે છેલ્લા આઠ દિવસથી ૧૦૦૦થી ઓછા દર્દીઓનું મૃત્યુ થયા છે. આંકડા પ્રમાણે દેશમાં અત્યારે જેટલા કેસ છે તેના ૧૨.૩૦ ટકા એક્ટિવ કેસ છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે કેસ કેરળમાં નોંધાયા છે. કેરળમાં ૧૧,૦૦૦થી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે તેના પછી મહારાષ્ટ્રનો નંબર આવે છે. છેલ્લા ૨૪ કલાકમાં જે ૯૧૮ લોકોના મૃત્યુ થયા છે તેમાં મહારાષ્ટ્રમાં ૩૦૮, કર્ણાટકમાં ૧૦૨, તામિલનાડુમાં ૬૭, પશ્ચિમ બંગાળમાં ૬૨, ઉત્તર પ્રદેશમાં ૬૦, દિલ્હીમાં ૪૮, છત્તિસગઢમાં ૩૯ અને આંધ્ર પ્રદેશમાં ૩૫ લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી કુલ ૧,૦૮,૩૩૪ લોકોના મૃત્યુ થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૪૦,૦૪૦ લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ તામિલનાડુમાં ૧૦,૧૮૭ લોકોના મૃત્યુ થયા છે.

(12:00 am IST)