Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

શંકરસિંહનું સંગઠન શકિતદળ શકિત પ્રદર્શન કરશેઃ અમદાવાદ શહેરમાં કરશે ફલેગ માર્ચ

ન્યુ દિલ્હી તા. ૧ર :આગામી રવિવારે શંકરસિંહનું સંગઠન શકિતદળના સૈનિકો અમદાવાદ શહેરના રોડ-રસ્તા ગજાવતું પસાર થશે અને એ શહેરના રિવરફ્રન્ટ ખાતે ટાગોર હોલની પાછળ ઇવેન્ટ સેન્ટર ખાતે શિબીરના રૂપમાં ફેરવાશે ત્યારે શહેરીજનોને શંકરસિંહ જયારે કોંગ્રેસમાં હતા ત્યારે જે રીતે શકિતદળના સૈનિકોની એક ડ્રેસમાં નીકળેલી શિસ્તબધ્ધતા જોવા મળશે.

આ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતાં શકિતદળના સંસ્થાપક શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કોઇપણ રાજકીય પક્ષની કરોડ રજ્જુ એની સંગઠનશકિત છે. શકિત દળમાં ૧૮ થી ૪પ વર્ષના ભાઇઓ અને બહેનોની ભરતી કરવામાં આવશે અને પ્રજાનાં પ્રશ્નોને તેમનાં સુખદુઃખમાં ભાગીદાર થઇને હરહંમેશ મદદરૂપ થવા માટે શકિત દળ તૈયાર હશે. સમગ્ર કાર્યક્રમ શિસ્તબધ્ધ રીતે થવાનો છે અને એમાં યુવાનોમાં રહેલી સુષુપ્ત શકિતઓને ઉજાગર કરવાનો પ્રયાસ છે. આજના યુવાનોમાં ખૂબ જ શકિત રહેલી છે, પરંતુ તેને યોગ્ય દિશા મળે તો ઘણુંબધું કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. આ કાર્યક્રમ અનુસંધાને શકિતદળના સંયોજક પ્રો. કિશોરસિંહ સોલંકીએ વિસ્તૃત માહિતી આપતાં કહયું હતું કે રિવરફ્રન્ટ ખાતે ૧૦,૦૦૦ સૈનિકોની તાલીમ શિબિર સંપૂર્ણ ડ્રેસ સાથે સવારે ૧૧ વાગ્યાથી બે વાગ્યા સુધી રાખવામાં આવી છે. તેમાં અમદાવાદ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ  કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહયું હતું કે, અમદાવાદની શકિતદળની શિબીર પછી ડિસેમ્બરના અંત સુધીમાં સુરત ખાતે પછીથી રાજકોટ અને ત્યારબાદ વડોદરા ખાતે આ પ્રકારની તાલીમ શિબીરો રાખવામાં આવશે. આમ ગુજરાતમાંથી એક વર્ષમાં એક લાખ સૈનિકોની ભરતી કરવામાં આવશે.

(11:14 am IST)