Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

યુપીમાં જનાધારને વધારવા કોંગ્રેસ પાર્ટી વધુ સક્રિય થઇ

યુવા લોકોને મોટી જવાબદારી સોંપવામાં આવી :છેલ્લા ૩ દશકથી ઉત્તરપ્રદેશમાં સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટીની હાલત ખુબ જ કફોડી : ટોપના નેતાઓ ચિંતાતુર

નવી દિલ્હી, તા. ૧૨ : ત્રણ દશકથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં હવે પોતાની તાકાતને વધારી દેવા માટેના પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધર્યા છે. આ સંદર્ભમાં ઉંડી તપાસ પણ યોગ્ય નેતા માટે ચાલી રહી છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની હાલત ખુબ જ કફોડી બનેલી છે. કોંગ્રેસ પાર્ટી હાલમાં અસ્તિત્વ માટેની લડાઈ લડી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ હવે જનાધારને વધારી દેવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. આના માટે પાર્ટીની એક ટીમ પ્રતિષ્ઠિત લોકો, સામાન્ય સંગઠનો, વેપારી સંગઠનોની સાથે એનજીઓ અને રાજકીય અભિપ્રાય ધરાવનાર લોકો પાસેથી અભિપ્રાય મેળવ્યા છે. દરેક બૂથ ઉપર આઠ યુવાઓને આના માટે જવાબદારી સોંપવામાં આવી છે. યુવાનોની ટીમો તૈયાર કરવામાં આવી રહી છે. પોતાના કોણ છે તે સંદર્ભમાં યુવાનોની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી દેશના સૌથી મોટા રાજ્ય અને દિલ્હીમાં સત્તા આપવામાં ચાવીરુપ ભૂમિકા ભજવનાર ઉત્તરપ્રદેશમાં સૌથી ખરાબ હાલતમાંથી પસાર થઇ રહી છે. આશરે ત્રણ દશકથી કોંગ્રેસ પાર્ટી સત્તામાં નથી. ક્ષેત્રિય દળોના પ્રભાવ બાદ કોંગ્રેસ પાર્ટી હવે ભાજપની સામે મજબૂતરીતે ઉભા થવા માટે ઇચ્છુક છે. ૨૦૧૯ની ચૂંટણીમાં વધુને વધુ સીટો જીતવાની યોજના બનાવી રહી છે. બસપ પ્રમુખ માયાવતીના કઠોર વલણ અને સપા પ્રમુખ અખિલેશ યાદવના બદલાયેલા વલણ વચ્ચે આક્ષેપબાજીનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ પોતે પોતાના જનાધારને ચકાસવામાં લાગેલી છે. કોંગ્રેસના સુત્રોના કહેવા મુજબ પાર્ટીએ દરેક બૂથ પર એક અધ્યક્ષ અને આઠ બીજા યુવાનોને જોડવાનું કામ કરી રહી છે. આ યુવાનોનું કામ વોટર આઈડી બનાવવાથી લઇને મત પડાવવા સુધી કેન્દ્રિત રહેશે. કોંગ્રેસના સમર્થનમાં કોણ કોણ છે તે અંગેની માહિતી પણ એકત્રિત કરવામાં આવનાર છે. આના માટે સામાજિક સંગઠનો, વેપારી સંગઠનો, એનજીઓ, રાજકીય અભિપ્રાય ધરાવનાર બુદ્ધિજીવીઓ, નિવૃત્ત શિક્ષકો, તબીબો, એન્જિનિયરો, સમાજમાં કામ કરનાર મહિલાઓ અને મહિલા સંગઠનોને જવાબદારી સોંપવામાં આવી છે. જાણકારી હાંસલ કરવામાં આવ્યા બાદ પાર્ટીના સંદર્ભમાં સોફ્ટ કોર્નર રાખનાર વ્યક્તિની શોધખોળ કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી મોદી સરકારના વચનો અને કરવામાં આવેલા કામોને લોકોની વચ્ચે રજૂ કરવા માટે ઇચ્છુક છે. આ યુવા ટીમનું કામ ખુબ જ સક્રિયરીતે આગળ વધવાનું રહેશે. ગઠબંધન અને એકલારીતે આગળ વધવાને લઇને કોંગ્રેસી લોકોના અભિપ્રાય જુદા જુદા છે. મોટાભાગના લોકો માને છે કે, કોંગ્રેસ પાર્ટી એકલા હાથે મેદાનમાં ઉતરી હતી અને તેને ૧૯.૨૫ ટકા મત મળ્યા હતા. ૨૧ સાંસદો જીત્યા હતા. ૨૦૧૪ લોકસભાની ચૂંટણી અને ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સમાજવાદી પાર્ટીની સાથે મળીને લડી હતી પરંતુ પરિણામ અપેક્ષા મુજબના રહ્યા ન હતા. ગઠબંધન કરવાને લઇને પણ તેને સારા પરિણામ મળ્યા નથી. ૨૦૧૯ લોકસભા ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે કોંગ્રેસ પાર્ટીની હાલત કફોડી બનેલી છે. આગામી દિવસો કોંગ્રેસ માટે જનાધારને વધારવાને લઇને પડકારરુપ રહેશે. ઉત્તરપ્રદેશમાં ભાજપ હાલમાં સૌથી મોટી પાર્ટી તરીકે રહી છે.

 

(7:53 pm IST)