Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

હિમાચલ પ્રદેશમાં બરફના પહાડો અને હ રિયાળી વચ્‍ચે આવેલુ ચંદ્રતાલ તમારૂ મન મોહી લેશે

શું તમે ક્યારેય કોઈ એવી જગ્યાએ ગયા છો જ્યાં તમે પોતાની જાતને કોઈ વોલપેપરનો ભાગ સમજો? જો ના, તો તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના સ્પિતિમાં આવેલું ચંદ્રતાલ આવી એક જગ્યા છે. હિમાલયની બરફાચ્છાદિત પહાડો અને આસપાસની હરિયાળી વચ્ચે આવેલું ચંદ્રતાલ તમારું મન મોહી લેશે. જો તમે કોઈ એડવેન્ચર ટ્રીપ કરવા માગતા હોવ તો ચંદ્રતાલ વિશે વિચારો.

રોમાંચક ટ્રિપ

ચંદ્રતાલ સુધી પહોંચવાની સફર એટલી રોમાંચર છે કે ત્યાંની ખૂબસુરતી માણવાની ઈચ્છા વધી જશે. ચંદ્રતાલ સમુદ્રતટથી 4300 મીટરની ઊંચાઈએ આવેલું છે. અહીં પહોંચવા માટે કાજા અને કુન્જુમ પાસ થઈને જવું પડશે. અહીંના ખતરનાક રસ્તાઓ પર ગાડી ચલાવવા માટે એક્સપર્ટ ડ્રાઈવર હોવો જરૂરી છે. સિવાય એક કિલોમીટર સુધી ટ્રેકિંગ કરીને પણ ચંદ્રતાલ પહોંચી શકો છો.

હિમાલયના ખોળામાં રાત વિતાવો

સવારે ચંદ્રતાલનો નજારો ખૂબ આકર્ષક હોય છે, હિમાલયના પર્વતોનો પડછાયો તમારી ઉપર પડે છે. અહીં ટેન્ટમાં રાત રોકાવું હિમાલયના ખોળામાં ઊંઘવા જેવું છે. જૂન-જુલાઈમાં પણ રાત્રે અહીં ખૂબ ઠંડી લાગે છે. એટલે જો કેપિંગ કરવાના ઈરાદાથી ચંદ્રતાલ જવાના હો તો પૂરતી તૈયારી સાથે જજો.

સૌથી વધુ તસવીરો લેવાય છે અહીંની

દુનિયામાં સૌથી વધુ કોઈ સરોવરની તસવીરો લેવાતી હોય તો તે ચંદ્રતાલ સરોવરની છે. અહીંની સુંદરતાને દરેક વ્યક્તિ પોતાના કેમેરામાં કેદ કરવા માગે છે. ચંદ્રતાલમાં ફરવાનો અનુભવ તમે ક્યારેય નહીં ભૂલો. બને તો પૂનમની રાત્રે અહીં જવું ચંદ્રતાલના કિનારે ચાંદનીમાં ન્હાવાની મજા કંઈ અલગ હશે!

કઈ રીતે પહોંચશો?

ચંદ્રતાલ પહોંચવા માટે બે મુખ્ય રસ્તા છે. દિલ્હીથી કુલુ, મનાલી અને રોહતાંગ થઈને ચંદ્રતાલ પહોંચી શકો છો અથવા તો દિલ્હીથી શિમલા કાજા, કુન્જુમ થઈને ચંદ્રતાલ પહોંચી શકાશે.

(6:00 pm IST)