Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

બે સહેલીઓએ એક જ યુવક સાથે કર્યા લગ્ન

બસ દોસ્‍તી તુટવી ન જોઇએ.. : લગ્ન બાદ બન્‍ને એક જ ઘરમાં એક જ પતિ સાથે રહે છે

નવી દિલ્‍હી,તા.૧૨ : પ્રેમ અને મિત્રતાની અનેક ઉદાહરણરૂપ ઘટનાઓ સામે આવતી હોય છે. જયારે ઘણી વખત આવી જ કેટલીક વિચિત્ર અથવા ક્‍યારેય ન સાંભળી હોય તેવી કહાણીઓ પણ જોવા મળતી હોય છે. આવી એક ઘટના સામે આવી છે, જેમાં બે મહિલાઓએ પરસ્‍પર સહમતિથી એક જ યુવક સાથે લગ્ન કર્યા છે.

એક યુવક સાથે લગ્ન કરનાર આ બન્ને મહિલાઓ ગાઢ મિત્ર છે. એક જ યુવક સાથે લગ્ન કરવા પાછળનું કારણ પણ વિચિત્ર છે. આ બન્ને મહિલઓ લગ્ન બાદ અલગ ન થઇ જાય અને હંમેશા સાથે જ રહી શકે તે માટે આવું કર્યું છે. બન્નેને દૂર ન રહેવું પડે તે માટે આ તરકીબ અપનાવી છે. બન્ને મહિલાઓએ એક જ વ્‍યક્‍તિ સાથે લગ્ન કર્યા છે. હવે લગ્ન બાદ બન્ને એક જ ઘરમાં એક જ પતિ સાથે રહે છે.

આ કહાણી પાકિસ્‍તાનના મુઝફફરગઢની છે. અહીંની રહેવાસી શહનાઝ અને નૂર વચ્‍ચે ગાઢ મિત્રતા છે. શહનાઝ અને નૂરે એજાઝ નામના વ્‍યક્‍તિ સાથે લગ્ન કર્યા છે. એજાઝ વ્‍યવસાયે દરજી કામ કરે છે. યુ-ટ્‍યુબ ચેનલ ડેલી પાકિસ્‍તાન ગ્‍લોબલ સાથે વાતચીત કરતાં શહનાઝે કહ્યું કે, પહેલા તેના લગ્ન એજાઝ સાથે થયા હતા. લગ્ન બાદ તે સહેલી નૂરથી દૂર થઇ ગઇ હતી. આવામાં નૂરે પણ એજાઝ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જેથી તે સહેલી શહેનાઝ સાથે રહી શકે. આ વાત શહનાઝને પણ ગમી અને તેણે તેના જ પતિ સાથે લગ્ન કરવાની પરવાનગી આપી હતી. આમ, એક જ પતિ સાથે બન્ને સહેલીઓના લગ્ન થયા છે. શહનાઝના બે બાળકો છે. જયારે નૂરનું એક બાળક છે. એક પતિ અને બન્ને પત્‍નીઓના સંતાન એક જ છત નીચે ખુશીથી રહે છે.

(1:41 pm IST)