Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

પ્રજાને લૂંટનારા હવે યોગ્ય જગ્યા પર પહોંચી ગયા છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

હજુ તો સંકલ્પ અને પરિશ્રમ બાકી છે આ માત્ર ટ્રેલર છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી : આદિવાસી બાળકો માટે દેશભરમાં ૪૬૨ એકલવ્ય સ્કુલ શરૂ કરવાનું કામ જારી : ઉત્તરાખંડના રાંચીમાં કોંગ્રેસ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તીવ્ર પ્રહારો

રાંચી, તા.૧૨ : ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા પાટનગર રાંચી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યું હતું કે, જનતાને લૂંટનારાઓને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. કેટલાક લોકો જેલમાં પણ પહોંચી ગયા છે. કેટલાક લોકોએ વિચારી લીધું છે કે, તે દેશના કાનૂન અને અદાલતોથી ઉપર છે. તે આજે કોર્ટથી જામીન મેળવવાની તરકીબો લગાવી રહ્યા છે. હજુ તો આ શરૂઆત છે પાંચ વર્ષ બાકી છે. હજુ તો આ ટ્રેલર છે. પ્રભાતતારા મેદાનમાં આયોજિત યોજનાઓના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હજુ તો ખુબ જ સંકલ્પ બાકી છે. બહુ પરિશ્રમ પણ બાકી છે. પહેલી વખત એવું બન્યું છે કે, સંસદ સૌથી વધુ સમય સુધી ચાલી છે. સંસદના કામકાજનો શ્રેય તમામ સાંસદો, તમામ રાજનીતિક પાર્ટીઓ અને તેમના નેતાઓને જાય છે. તમામ સાંસદો અને દેશવાસીઓને આભાર માનું છું.  પીએમ મોદીએ કહ્યું હતું કે, ચૂંટણી સમયે અમે વચન આપ્યું હતું કે, લોકોને કામદાર અને દમદાર સરકાર આપીશું. એક એવી સરકાર જે પહેલાથી વધુ ઝડપથી કામ કરશે. એક એવી સરકાર જે તમામ અપેક્ષાઓને પૂરી કરવામાં સંપૂર્ણ તાકાત લગાવી દેશે. વિતેલા ૧૦૦ દિવસમાં દેશે આનું ટ્રેલર બતાવી દીધું છે. આતંકવાદ સામે નિર્ણાયક લડત લડવાનો અમારો સંકલ્પ છે. આ જોતા જ પ્રથમ ૧૦૦ દિસવમાં આતંકવાદ વિરોધી કાનૂનને વધુ મજબૂત કરવામાં આવી ચુક્યો છે.

           વડાપ્રધાને કહ્યું હતું કે, આદિવાસી બાળકો માટે દેશભરમાં ૪૬૨ એકલવ્ય સ્કુલ ખોલવામાં આવી રહ્યા છે. આ સ્કુલોમાં બાળકોનું ભણવાનુ, ખેલ, સ્કિલ ડેવપલમેન્ટ, સ્થાનીય કલા અને સંસ્કૃતિના સંસ્કરણ માટે પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. સરકાર દરેક આદિવાસી બાળકો માટે દર વર્ષે ૧ લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરશે. અહીં તેમણે પહેલા તો વિધાનસભા  ભવનનું ઉદ્ધાટન કર્યું. ત્યારબાદ તેમણે વિધાનસભા ભવનની રેપ્લિકાનું પણ અવલોકન કર્યું. આ ઉપરાંત પીએમ મોદીએ રાંચીમાં ત્રણ રાષ્ટ્રીય અને બે રાજ્ય સ્તરની યોજનાઓનો શુભારંભ કર્યો. તેમણે સાહિબગંજ મલ્ટીમોડલ ટર્મિનલ (પોર્ટ)નું પણ ઉદ્ધાટન કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ રાંચના પ્રભાત તારા મેદાનમાં સભાને સંબોધન કર્યું. રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર રાજ્યપાલ દ્રોપદી મુર્મૂ અને મુખ્યમંત્રી રઘુવર દાસે તેમનું સ્વાગત કર્યું હતું.  વડાપ્રધાને કહ્યું કે ૨ ઓક્ટોબરના રોજ ગાંધીજીની ૧૫૦મી જયંતી છે. આ દિવસે આપણે પ્લાસ્ટિકના કચરાને હટાવવાનો છે. કાલથી જ દેશમાં સ્વચ્છતા જ સેવા અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. આ અભિયાન હેઠળ ૨ ઓક્ટોબર સુધીમાં આપણે આપણા ઘરોમાં, શાળાઓમાં, ઓફિસોમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકને ભેગું કરવાનું છે. પ્રભાત તારા મેદાનમાં સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે વડાપ્રધાન આવાસ યોજનાના માધ્યમથી ૨ કરોડથી વધુ ઘરો ગરીબો માટે બનાવવામાં આવ્યાં. હવે ૨ કરોડ વધુ ઘરો માટે કામ કરવામાં આવી રહ્યું છે. 

             વડાપ્રધાને કહ્યું કે અમે આયુષ્યમાન ભારત યોજના હેઠળ વડાપ્રધાન જન  આરોગ્ય યોજના લઈને આવ્યાં. અહીં ઝારખંડથી તેની શરૂઆત કરી. જે હેઠળ અત્યાર સુધીમાં ૪૪ લાખ ગરીબ દર્દીઓ સારવારનો લાભ લઈ ચૂક્યા છે. જેમાંથી લગભગ ૩ લાખ ઝારખંડના છે.  પીએમ મોદીએ કહ્યું કે જીવન જ્યોતિ યોજના અને વડાપ્રધાન સુરક્ષા વીમા યોજના સાથે ૨૨ કરોડથી વધુ દેશવાસીઓ જોડાઈ ચૂક્યા છે. તેમાંથી ૩૦ લાખથી વધુ સાથીઓ ઝારખંડથી છે. આ સાથે જ તેમણે કહ્યું કે આ વર્ષ માર્ચથી પેન્શન યોજના દેશના કરોડો અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે ચાલી રહી છે. શ્રમયોગી માનધન યોજના જોડે અત્યાર સુધીમાં ૩૨ લાખથી વધુ શ્રમિક સાથી જોડાઈ ચૂક્યા છે.  વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે જે લોકોએ એમ વિચારી લીધુ હતું કે તેઓ દેશના કાયદાથી પણ ઉપર છે, દેશની અદાલતોથી પણ ઉપર છે તેઓ આજે કોર્ટ પાસે જામીનની ગુહાર લગાવી રહ્યાં છે. પીએમનો  આ પ્રહાર દેશના પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ પર હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પછી સભાને સંબોધન કરતા કહ્યું કે નવી સરકાર બન્યા બાદ મને જે રાજ્યોમાં સૌથી પહેલા જવાની તક મળી, તેમાં ઝારખંડ એક છે. આ જ પ્રભાત તારા મેદાનમાં મેં હજારો લોકો સાથે યોગ કર્યા હતાં. આ મેદાનથી આયુષ્યમાન ભારત યોજના શરૂ થઈ હતી. તેમણે કહ્યું કે ઝારખંડ એ જ રાજ્ય છે જે ગરીબ અને જનજાતીય યોજનાઓનું લોન્ચિંગ પેડ છે.  પીએમ મોદીએ કહ્યું કે આજે મને સાહિબગંજ મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્ધાટન કરવાની તક મળી. આ માત્ર એક પ્રોજેક્ટ જ નથી પરંતુ તા સમગ્ર વિસ્તારને પરિવહનનો નવો વિકલ્પ આપી રહ્યો છે.

સાહિબગંજ મલ્ટી-મોડલ ટર્મિનલનું પણ ઉદ્ઘાટન ઝારખંડ હવ દેશ-દુનિયા સાથે જોડાશે

રાંચી, તા. ૧૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાહિબગંજ મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ માત્ર એક પ્રોજેક્ટ નથી પરંતુ સમગ્ર વિસ્તારને પરિવહન માટે નવો વિકલ્પ આપશે. જળમાર્ગ ઝારખંડને સમગ્ર દેશથી જ નહીં પરંતુ વિદેશથી પણ જોડી દેશે. આ ટર્મિનલથી અહીંના આદિવાસી ભાઈ-બહેન, ખેડૂતો, પોતાના ઉત્પાદન હવે સમગ્ર દેશના બજારોમાં અને સહેલાઇથી પહોંચી શકશે. જળમાર્કના કારણે ઉત્તર ભારતથી ઝારખંડ સહિત પૂર્વોત્તરના રાજ્યો સુધી અનાજ પહોંચાડવામાં સરળથા રહેશે.

(7:41 pm IST)