Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

હવે 'સમાન કામ માટે સમાન વેતન'નો અમલ કરાશે : કેન્દ્રના 10 લાખ અનિયમિત કર્મચારીઓને થશે લાભ

તમામ અનિયમિત કર્મચારીઓને પણ હવે નિયમિત કર્મચારીઓના ધોરણ અનુસાર પગાર મળશે.

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પોતાના વિવિધ વિભાગો હેઠળ કામ કરી રહેલા અનિયમિત કર્મચારીઓને દીવાળી પહેલા જ અનોખી રીતે લાભ આપવાની વ્યવસ્થા ગોઠવી દીધી છે. કેન્દ્ર સરકાર માટે કામ કરતા તમામ અનિયમિત કર્મચારીઓને પણ હવે નિયમિત કર્મચારીઓના ધોરણ અનુસાર પગાર મળશે.
વડાપ્રધાન કાર્યાલય હેઠળ આવતા કર્મચારી અને તાલીમ (પર્સોનલ એન્ડ ટ્રેઇનિંગ) વિભાગે બુધવારે આ સંદર્ભમાં આદેશ જાહેર કર્યો હતો. આદેશમાં જણાવ્યા અનુસાર, હવેથી કેન્દ્ર સરકારના વિભાગમાં કામ કરનારા તમામ અનિયમિત કર્મચારીઓને આઠ કલાક કામ કરવા પર એ જ પદ પર કામ કરતા નિયમિત કર્મચારીઓના વેતન ધોરણના લઘુત્તમ વેતન અને મોંઘવારી ભથ્થા જેટલું જ ચૂકવણી કરવામાં આવશે. તેઓ જેટલા દિવસ કામ કરશે તેમને તેટલા દિવસનું વેતન ચૂકવવામાં આવશે. નોંધનીય બાબત એ પણ કહેવામાં આવી છે કે આદેશ ક્રમાંક 49014/1/2017 અનુસાર તેમને નિયમિત રોજગાર મેળવવાનો હક્ક નહીં હોય.
વર્તમાનમાં આ કર્મચારીઓને સંબંધિત રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવેલા લઘુત્તમ વેતનની ચૂકવણી કરવામાં આવી રહી હતી. દિલ્હી સરકારે અકુશળ શ્રમિકો માટે 14,000 રૂપિયા માસિક વેતન નક્કી કર્યું છે. હવે કેન્દ્ર સરકારના આદેશ બાદ તેમને ગ્રુપ ડીના વેતનધોરણ મુજબ લઘુત્તમ વેતન એટલે કે માસિક રૂપિયા 30,000નો પગાર મળશે. એટલે કે એક જ વારમાં તેમનો પગાર બમણો થઇ જશે.
આદેશમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઇ અનિયમિત કર્મચારીનું કામ નિયમિત કર્મચારીના કામથી અલગ છે તો તેને રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ વેતનના આધાર પર જ ચૂકવણી કરવામાં આવશે. 
તમામ મંત્રાલયો અને વિભાગોને મોકલવામાં આવેલો ડીઓપીટીનો આ આદેશ 'સમાન કાર્ય માટે સમાન વેતન'ના મુદ્દે સુપ્રીમ કોર્ટે સંભળાવેલા નિર્ણય બાદ આપવામાં આવ્યો છે.
સરકારે આપેલા સ્પષ્ટ નિર્દેશ છતાં પણ ટ્રેડ યુનિયનના નેતાઓને તેના અમલીકરણ સામે શંકા છે. દેશનું સૌથી મોટું ટ્રેડ યુનિયન, ભારતીય મજદૂર સંઘના પૂર્વ અધ્યક્ષ બૈજનાથ રાયનું કહેવું છે કે આ પ્રકારના આદેશો ભૂતકાળમાં ઘણી વાર જાહેર થઇ ચૂક્યા છે. તેનો અમલ કરાયો નથી.
નોંધનીય છે કે, સરકારે હવે ગ્રુપ સી અને ડીની મોટા ભાગની નોકરીઓ ખાનગી ઠેકેદારોને આઉટસોર્સિંગ માટે આપી દીધી છે, તેવી સ્થિતિમાં આ આદેશનું પાલન કરવાનું મુશ્કેલ છે. સીટૂ નેતા તપન રોયનું કહેવું છે કે આ આદેશ માત્ર કેન્દ્રીય કર્મચારીઓ માટે છે. આ માટે જ તેને ડીઓપીટીએ જાહેર કર્યો છે. જો શ્રમ મંત્રાલયે જાહેર કર્યો હોત તો તમામ કર્મચારીઓ માટે હોત. તેમણે પણ તેના પૂર્ણ અમલ સામે શંકા વ્યક્ત કરી છે. 

(1:08 pm IST)
  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST

  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST