Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

મેઘરાજાને મનાવવા માટે દેડકા-દેડકીઓના લોકોએ લગ્ન કરાવ્યાં: હવે એ જ લોકોએ 'છૂટાછેડા' કરાવ્યા

મધ્ય પ્રદેશના તમામ જિલ્લાઓ પાણીમાં ગરકાવ : હવે વિધિવત છૂટાછેડા પણ કરાવી દેવાયા

મેઘરાજાને મનાવવા માટે લોકો નીત નવીન પ્રયોગો કરતા હોય છે. જેમાંથી એક દેડકાઓના લગ્નની વિધિ પણ વર્ષ 2019માં ટ્રેન્ડિંગ રહી હતી. ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો એક છાંટો પણ નહોતો પડ્યો. જેથી વરસાદની સિઝન આવતાની સાથે જ ઘણી જગ્યાએ લોકો દેડકાઓના લગ્ન કરવામાં મંડી પડ્યા. હવે તમે દેડકાઓના લગ્ન વિશે તો સાંભળ્યું હશે પણ કોઈ દિવસ તેમના છૂટાછેડા વિશે નહીં સાંભળ્યું હોય.

  મધ્યપ્રદેશ વર્ષ 2019માં એક એવું રાજ્ય બન્યું છે જ્યાં મેઘરાજાએ તોફાન મચાવી રાખ્યું છે. ભારે વરસાદના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ઉપરથી આજે પણ 35 જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય પ્રદેશના તમામ જિલ્લાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ચાલવા માટે પણ જગ્યા નથી રહી. લોકોએ વિચાર્યું કે દેડકાના લગ્ન કરાવી નાખ્યા તો આટલો બધો વરસાદ ખાબક્યો હવે છૂટાછેડા કરાવી નાખીએ. જેથી 19 જુલાઈના રોજ જે દેડકાઓના લગ્ન થયા હતા તેમના હવે વિધિવત છૂટાછેડા પણ કરાવી દેવામાં આવ્યા છે.

  11 સપ્ટેમ્બરના દિવસે મધ્ય પ્રદેશમાં સામાન્ય વરસાદ કરતા 26 ટકા વધારે વરસાદ વરસ્યો. 8 સપ્ટેમ્બરે ભોપાલમાં વરસાદે 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. જેથી લોકો હવે દેડકાઓના તલ્લાક કરાવી રહ્યાં છે. 11 સપ્ટેમ્બરની સાંજે ગૃહસ્થ જીવન વિતાવી રહેલા દેડકા દેડકીના છૂટાછેડા કરાવી નાખ્યા. આ છૂટાછેડા ઓમ શિવ સેના શક્તિ મંડળના લોકો દ્વારા કરાવવામાં આવ્યા છે. જે માટે ખાસ મંત્રોના જાપની વિધિ પણ રાખવામાં આવી હતી. આમ છતાં હવામાન વિભાગ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી રહ્યું છે.

(1:05 pm IST)