Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ચીનનો ચાર્લી ભારતમાં કરોડોની હેરાફેરી:નકલી કંપનીના નામે 40થી વધુ બેન્ક ખાતા : 1000 કરોડથી પણ વધુની ક્રેડિટ એન્ટ્રી

ચીની નાગરિકોના 21 ઠેકાણાં પર દરોડા: ચોંકાવનારી મોડ્સ ઓપરેન્ડી

નવી દિલ્હી:એક તરફ ચીની સૈનિકો તેમના મેલી મુરાદો પાર પાડવા માટે LAC પર તનાવ પેદા કરી રહ્યાં છે. બીજી તરફ વેપારની આડમાં દિલ્હીમાં ચીની નાગરિકોના મોટા કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડ એટલું મોટું છે કે, તેની રકમ 1 હજાર કરોડને પાર જઈ શકે છે. આવક વેરા વિભાગે ચીની કંપનીઓ અને હવાલા નેટવર્કની સાંગગાંઠનો પર્દાફાશ કર્યો છે.

 

ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી બાતમીના આધારે ઈન્કમટેક્સ વિભાગે દિલ્હી, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં ચીની નાગરિકોના 21 ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. અત્યાર સુધી આવકવેરા વિભાગને 300 કરોડ રૂપિયાની હવાલા લેવડદેવડની જાણ થઈ છે. જો કે આવકવેરા વિભાગના સુત્રો પ્રમાણે, આ રકમ 1 હજાર કરોડની પણ ઉપર જઈ શકે છે.

ચીની નાગરિકો પર દરોડાની જાણકારી CBDTએ એક પ્રેસ રિલીઝ કરીને આપી છે. જે મુજબ સર્ચ ઓપરેસનમાં ખુલાસો થયો છે કે, આ ચીની નાગરિકોએ નકલી કંપનીઓના નામે 40થી વધુ બેંક ખાતા ખોલ્યા હતા. એક ચોક્કસ સમયમર્યાદામાં આ ખાતાઓમાં 1000 કરોડ રૂપિયાથી વધુની ક્રેડિટ એન્ટ્રી કરવામાં આવી હતી.

આટલું જ નહીં ચીની કંપનીના સબ્સિડિયરી અને તેમા સંકળાયેલા લોકોએ ડમી કંપનીઓથી ભારતમાં રિટેઈલ શૉરુમ વ્યવસાય કરવા માટે 100 કરોડથી વધુ રકમની નકલી ચૂકવણી કરી. લેવડ-દેવડમાં હૉંગકોંગ અને અમેરિકન ડૉલરનો ઉપયોગ થયો હતો.

આ સમગ્ર પ્રકરણમાં એક ચીની નાગરિકને ઈન્કમટેક્સ વિભાગે અટકાયતમાં લીધો છે. જેની ઓળખ લુઓ સાંગ તરીકે થઈ છે. જે “ચાર્લી પૈંગ”ના નામે ભારતમાં રહેતો હતો અને તેની પાસે નકલી ભારતીય પાસપોર્ટ પણ મળ્યા છે. તપાસમાં સામે આવ્યું કે, તેણે નકલી પાસપોર્ટ મણિપુરથી બનાવડાવ્યા હતા.

ચીનના આ ચાર્લીએ કાલ્પનિક નામોથી ભારતમાં 8 થી 10 બેંક એકાઉન્ટ ખોલાવી રાખ્યા હતા. હવાલા ઓપરેશન માટે ચાર્લી અનેક કંપનીને રિપ્રેઝન્ટ કરી રહ્યો હતો. તેના હવાલા રેકેટ મામલે 2018માં પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે છૂટ્યા બાદ તેણે ફરીથી આજ ધંધામાં જંપલાવ્યું હતું.

હવે આ મામલે આવકવેરા વિભાગ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહ્યું છે. એવીમાં ચીની નાગરિકોની કરતતોથી અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.

(4:07 pm IST)