Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

વિવાદ બાદ ભારત-નેપાળ મંત્રણાના ટેબલ પર આવ્યા

કાઠમંડુમાં ૧૭મી ઓગસ્ટે વાતચીત થશે : સરહદ વિવાદ, રામમંદિર શિલાન્યાસ બાદ નિવેદનબાજી કરીને વડાપ્રધાન ઓલીએ બળતામાં તેલ રેડ્યું હતું

નવી દિલ્હી, તા. ૧૧ : ભારત સાથે નક્શા અને બીજી બાબતો અંગે ઝઘડતું નેપાળ હવે મંત્રણાના ટેબલ પર આવવા તૈયાર થયું છે. બંને દેશ વચ્ચે નવ મહિના પછી પ્રથમ વખત વાતચીત કરશે. ૧૭મી ઓગસ્ટે કાઠમંડુમાં આ મંત્રણા થશે. સત્તાવાર રીતે આ વાતચીતનો એજન્ડા ભારત દ્વારા નેપાળમાં ચલાવવામાં આવી રહેલા પ્રોજેક્ટસની સમીક્ષા છે. જોકે બંને દેશ સીમા વિવાદ સહિત કેટલાક બીજા મુદ્દાઓ પર વાતચીત કરે તેવી શકયતા છે. નેપાળ તરફથી વિદેશ મંત્રાલયમાં સેક્રેટરી શંકર દાસ બૈરાગી હાજર રહેશે. ભારતીય પક્ષની આગેવાની નેપાળમાં ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રા કરશે. બંને દેશોની વચ્ચે આઠમી વાતચીતઃ ૨૦૧૬માં નેપાળના ત્યારના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ભારત આવ્યા હતા. બંને દેશોએ પરસ્પરના વિવાદનું સમાધાન કરવા અને સહયોગ વધારવા માટે મિકેનિઝ્મ તૈયાર કર્યું હતું.

               ૧૭ ઓગસ્ટે આ મિકેનિઝ્મ અંતર્ગત ૮મી વાતચીત થશે. બંને દેશોમાં સીમા વિવાદ અને બીજા મુદ્દાઓના કારણે ભારત અને નેપાળના સંબંધમાં ખટાસ વધી હતી. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન પર પણ નેપાળના વડાપ્રધાન ઓલીએ નિવેદનબાજી કરી હતી. નેપાળના એક અધિકારીએ કહ્યું હતું, વાતચીતની શરૂઆત જ મોટી સફળતા છે. બંને દેશ ક્રોસ બોર્ડર ટ્રેન સર્વિસ, એગ્રીકલ્ચર, ભૂકંપ પછી રી-કન્સ્ટ્રક્શન જેવા પ્રોજેક્ટ સાથે કરી રહ્યાં છે. ભારતે તેનો નવો રાજકીય નકશો ૨ નવેમ્બર ૨૦૧૯ના રોજ બહાર પાડ્યો હતો. તેની પર નેપાળે વાધો વ્યક્ત કર્યો હતો અને કાલાપાની, લિંપિયાધુરા અને લિપુલેખ વિસ્તારને તેનું ક્ષેત્ર ગણાવ્યું હતું. આ વર્ષે ૧૮ મેના રોજ નેપાળે આ ત્રણ વિસ્તારને સામેલ કરતો તેનો નવો નકશો બહાર પાડ્યો હતો. આ નકશાને નેપાળે સંસદના બંને ગૃહોમાં પાસ કરાવ્યો હતો. પછીથી બંને દંશોની વચ્ચે તણાવ વધી ગયો હતો.

(12:00 am IST)