Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

કાશ્મીરમાં કર્ફયુ અને છૂટ વચ્ચે સંતાકૂકડી

છુટ અપાતા જ વિરોધીઓની ભીડ એકઠી થવા લાગે છે : જમ્મુ-કાશ્મીર પોલીસ કહે છે સ્થિતિ શાંતિપૂર્ણઃ ભીડ એકત્ર થતા પોલીસ સખ્ત થઇ રહી છે

જમ્મુ તા. ૧રઃ છેલ્લા સાત દિવસોથી બંદૂકોની વચ્ચે કર્ફયુમાં રહેલા કાશ્મીર ખીણમાં ઇદના આગલા દિવસે અપાયેલી છૂટમાં મુશ્કેલીઓ થઇ રહી છે. કેમકે છૂટ અપાતા જ વિરોધ કરનારા લોકોની ભીડ એકઠી થવા લાગે છે અને પરિસ્થિતી બગાડવા માંડે છે.

શ્રીનગરમાં ગઇ કાલે ફરી એક વાર કર્ફયુ જેવી પરિસ્થિતિ ઉભી થઇ ગઇ હતી. જણાવાઇ રહ્યું છે કે પોલિસના વાહનો શહેરમાં પહેરો ભરતા લાઉડસ્પીકરો દ્વારા જાહેરાત કરી રહ્યા હતા કે લોકો પોતાના ઘરે પાછા ફરે. આ સાથે જ દુકાનદારોને પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ પોતાના શટરો પાડી દે. ઇદને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોમાં કર્ફયુમાં છુટછાટ આપવામાં આવી હતી પણ ફરી એક વાર ભીડને ભેગી થતી રોકી દેવાઇ છે અને સખ્તાઇ વાપરવામાં આવી રહી છે.

રાજય પોલીસે શનિવારે ટવીટ કરીને દાવો કર્યો હતો કે કલમ ૩૭૦ હટયા પછી અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે અને રાજયમાં કયાંય હિંસાની ઘટના નથી નોંધવામાં આવી. પોલિસ મહા નિર્દેશક દિલબાગસિંહે કહ્યું કે મામુલી પથ્થરબાજી સિવાય રાજયમાં કોઇ અપ્રિય ઘટના નથી બની.

સરકારે એક બયાનમાં કહ્યું હતું કે ઉચ્ચ પોલિસ અધિકારીઓ અને મુખ્ય સચિવ બી.વી.આર. સુબ્રમણ્યમે લોકોને કાશ્મીરમાં ગોળીબારની કહેવાતી ઘટનાઓ અંગે ફેલાવાઇ રહેલી અફવાઓ પર વિશ્વાસ ન કરવાનું કહ્યું છે સરકારી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર શનિવારે પણ શ્રીનગર અને બીજી જગ્યાઓએ ઇદની ખરીદી માટે લોકો બજારમાં નિકળ્યા હતા.

ગૃહ મંત્રાલયના પ્રવકતાએ શનિવારે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક વિરોધ પ્રદર્શનોને બાદ કરતા કોઇ ગંભીર ઘટના નથી થઇ. જો કે, આ પ્રદર્શનોમાં પણ લગભગ ર૦ લોકો જ સામેલ થયા હતા. તેમણે કહ્યું કે શ્રીનગર અને બારામુલ્લામાં કેટલાક વિરોધ પ્રદર્શનો થયા છે અને તેમાં કયાંય પણ ર૦ થી વધારે લોકો સામેલ નહોતા થયા. (સુરેશ ડુગ્ગર દ્વારા)

(3:53 pm IST)