Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

કસ્ટડી વેળા મહેબુબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા જોરદાર લડી પડ્યા

કાશ્મીરમાં ભાજપને કોણ લાવ્યું તેને લઇ લડાઈ : બંનેની લડાઈ ખુબ હદ સુધી વધી ગયા બાદ બંનેને અલગ રાખવાની ફરજ પડી : સ્ટાફના લોકોએ ખેંચતાણ નિહાળી

શ્રીનગર, તા. ૧૨ : એકબીજાના તીવ્ર વિરોધી રહેલા ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને કલમ ૩૭૦ દૂર કરવામાં આવ્યા બાદ ગયા સપ્તાહમાં હરીનિવાસ રાજમહેલમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે, તેમની વચ્ચે વિખવાદ એટલી હદ સુધી વધ્યો હતો કે હવે તેમને જુદી જુદી જગ્યાએ રાખવામાં આવી રહ્યા છે. હકીકતમાં બંને પાર્ટીઓએ એક બીજા ઉપર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિને મજબૂત કરવાનો આક્ષેપ કર્યો હતો. કસ્ટડીમાં ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી લડી પડતા તેમને અલગ રાખવામાં આવી રહ્યા છે. મહેબુબા મુફ્તીએ ઓમર અબ્દુલ્લા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેમના ઉપર મુફ્તી મોહમ્મદ સઇદને લઇને ભાજપ સાથે ૨૦૧૫ અને ૨૦૧૮માં ગઠબંધન કરવાનો વળતો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

બંને નેતાઓ વચ્ચે જોરદાર બોલાચાલી થઇ હતી. ઉપસ્થિત સ્ટાફના લોકોએ પણ આ વાત સાંભળી હતી. મહેબુબા મુફ્તીએ નેશનલ કોન્ફરન્સના નાયબ અધ્યક્ષ ઓમર અબ્દુલ્લાને વળતા જવાબ આપ્યા હતા. મહેબુબાએ ઓમરને યાદ અપાવતા કહ્યું હતું કે, ફારુક અબ્દુલ્લાનું ગઠબંધન અટલ બિહારી વાજપેયીની સરકારમાં હતુ. એક અધિકારીએ કહ્યું હતું કે, મહેબુબાએ જોર શોરથી બુમો પાડીને કહ્યું હતું કે, વાજપેયી સરકારમાં વિદેશી મામલામાં તમે જુનિયર મંત્રી તરીકે હતા. મહેબુબાએ ઓમરના દાદા શેખ અબ્દુલ્લાને પણ ૧૯૪૭માં જમ્મુ કાશ્મીરના ભારતમાં મર્જર માટે જવાબદાર ઠેરવીને પ્રહાર કર્યા હતા. વિવાદ ખુબ હદ સુધી વધી ગયા બાદ બંનેને જુદી જુદી જગ્યાઓએ લઇ જવાયા હતા. હવે ઓમરને મહાદેવ પહાડી ઉપર ચેસ્માશાહીમાં વન વિભાગના ગૃહમાં રાખવામાં આવ્યા છે જ્યારે મહેબુબાને હરિનિવાસ મહેલમાં રાખવામાં આવ્યા છે. લડાઈથી પહેલા બંને એક જ જગ્યાએ હતા. ઓમર અબ્દુલ્લા હરિનિવાસના ગ્રાઉન્ડ ફ્લોર પર હતા જ્યારે મહેબુબા પહેલા માળે હતા.

(8:09 pm IST)