Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

દરેક વિદેશી સામાન પર લગાવો પડશે 'મેઇડ ઇન' ટેગ

ખરાબ ગુણવતાવાળા સામાનનું ડમ્પીંગ રોકવા તથા દેશી કંપનીઓને ફાયદો કરાવવાનો હેતુ

નવી દિલ્હી તા. ૧ર :.. ભારત સરકાર દેશમાં આયાત થતાં તમામ માલ-સામાન પર 'મેડ ઇન (દેશનું નામ)' ટેગ ફરજીયાત કરે તેવી શકયતા છે. જે તે દેશના ઉત્પાદકે ભારત મોકલાતા દરેક ગુડસ પર તેના ઉત્પાદનનું સ્થળ દર્શાવવું પડશે.

 

સરકાર દેશમાં ભારે માત્રામાં નીચી ગુણવતા ધરાવતાં માલના ડમ્પિંગ અને પ્રવેશને અટકાવવા માંગે છે તથા સ્થાનીક મેન્યુફેકચરર્સને પ્રોત્સાહન આપવા માંગે છે. આ પગલા એવા સમયે લેવાઇ રહ્યા છે જયારે ભારતે ખાસ દેશો માટેના વ્યાપાર નિયંત્રણોને અમલમાં મુકયા છે જેમ કે અમુક અમેરિકન માલ પર ઊંચી ટેરિફ લાદવામાં આવી છે. આની પાછળની યોજના નવી કામગીરીના ભાગરૂપ છે જેને 'નોન-પ્રેફરેન્શિયલ રૂલ્સ અથવા ઓરીજિન' કહેવામાં આવે છે જે એવા દેશોમાંથી થતી આયાત પર લાગુ થશે કે જેને ભારત સાથે કોઇ વ્યાપાર કરાર નથી, જેમ કે અમેરિકા, યુરોપિયન યુનિયન, ચીન, ન્યુઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયા, એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ નિયમોનો મુસદો તૈયાર થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર તેના મુકત વ્યાપાર કરાર અથવા પ્રેફરેન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ ઓરિજિનના ચોકકસ નિયમો ધરાવે છે.

જો કે, જનરલ રૂટ અથવા મોસ્ટ ફેવર્ડ નેશન બેઝિઝ હેઠળની આયાતો માટે કોઇ નિયમ નથી. નોન-પ્રેફરેન્શિયલ રૂલ્સનો ઉપયોગ નીતિ વિષયક પગલાં માટે કરવામાં આવે છે, જેમ કે એન્ટી-ડમ્પિંગ અને કાઉન્ટ વેઇલિંગ ડયુટીઝ, ટ્રેડ એમ્બર્ગોઝ, સેફગાર્ડ અને પ્રતિકાર માટેના પગલા, કવાન્ટિટેટિવ નિયંત્રણો માટે અને કેટલાક ટેરિફ કવોટા માટે તથા ટ્રેડ સ્ટેટિસ્ટિકસ માટે ઉપયોગ કરવામાં આવે છે. આ નિયમો કસ્ટમ્સ ઓથોરીટીને અસરકારક રીતે એવી આયાતોને નિયંત્રીત કરવામાં મદદ કરશે જે ગુણવતા અથવા ધોરણોને પૂર્ણ કરતી ન હોય અથવા તો દેશના વ્યાપારના નિયમોનો ભંગ કરતી હોય, અધિકારીએ જણાવ્યું હતું કે, આ નિયમના કારણે કસ્ટમ્સ સતાવાળાઓને આયાતકાર દ્વારા દર્શાવવામાં આવેલ મુળ દેશ કે જયાં ગુડઝનું મુળ સ્થાન હોય તેના સર્ટીફીકેટને ચકાસવાની ક્ષમતા મળશે.

(11:47 am IST)