Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

નયા કાશ્મીર સહિત દેશભરમાં ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

જમ્મુ-કાશ્મીર સહિત દેશના વિવિધ ભાગોમાં ઈદ-ઉલ-અજહાનો તહેવાર રંગેચંગે મનાવાયોઃ કલમ ૩૭૦ હટાવાયા બાદ જમ્મુ-કાશ્મીરની પહેલી બકરી ઈદઃ સમગ્ર રાજ્યમાં શાંતિઃ મુસ્લિમ બિરાદરોએ મસ્જિદો અને ઈદગાહોમાં નમાજ અદા કરીઃ કાશ્મીરમાં સુરક્ષાના ખાસ પ્રબંધઃ રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિએ લોકોને ઈદની શુભકામના પાઠવી

નવી દિલ્હી, તા. ૧૨ :. સમગ્ર દેશમાં આજે હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-અજહા (બકરી ઈદ) મનાવવામાં આવી રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશની તમામ મસ્જિદો અને ઈદગાહોમાં નમાજ અદા કરવામાં આવી રહી છે. આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાના કડક પગલાઓ લેવાયા છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્રએ ખાસ તૈયારીઓ કરી છે. ઈદના પ્રસંગે નયા કાશ્મીરમાં ખુશી અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક મસ્જિદોમાં લોકોએ ઈદની નમાજ અદા કરી હતી.

કાશ્મીરમાં બકરી ઈદને ધ્યાનમાં રાખીને અનેક મહત્વના પગલાઓ લેવાયા છે. સ્થાનિક તંત્ર તરફથી લોકોના ઘરોમાં એલપીજી અને શાકભાજી મોકલવામાં આવી રહ્યા છે. રજાના દિવસે ખીણમાં બેન્ક અને લગભગ ૩૫૫૭ રાશનની દુકાનો પણ ખુલી છે. કલમ ૩૭૦ હટાવાયા બાદ નયા કાશ્મીરની આ પ્રથમ બકરી ઈદ હોવાથી લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કાશ્મીર ખીણમાં હોસ્પીટલ અને દવાની દુકાનો ખુલી છે અને વિમાન સેવા પણ ચાલુ છે. શ્રીનગરના કમિશ્નર ચૌધરીના જણાવ્યા પ્રમાણે સ્થિતિ શાંતિપૂર્વક છે. માહોલ ઝડપથી સુધરી રહ્યો છે. બકરી ઈદ પહેલા બેન્ક, એટીએમ અને બજારો પણ ગઈકાલે ખુલી હતી. લોકોએ ખાવાપીવા સહિત અનેક ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. અધિકારીઓના કહેવા મુજબ કયાંથી પણ અશાંતિના અહેવાલો નથી. ઈન્ટરનેટ સેવા અને સંચારના સાધનો પર પ્રતિબંધને કારણે ૩૦૦ ખાસ ટેલીફોન બુથ બનાવાયા છે કે જેથી લોકો પોતાના સગાઓ સાથે વાતચીત કરી શકે. વિજળી અને પાણીની બહાલી માટે પણ પગલા લેવાયા છે. લોકોને કોઈ મુશ્કેલી પડી નથી.

જિલ્લા તંત્રએ મસ્જિદોમાં નમાજ પઢવા જનાર લોકો માટે હરસંભવ મદદ કરી છે. લોકોને શાંતિ જાળવવા અને કાનૂન વ્યવસ્થા બનાવી રાખવા તથા અફવાથી બચવા જણાવાયુ છે. આજે ઈદના પ્રસંગે ૫ જિલ્લામાં પ્રતિબંધો અને નિષેધાત્મક પગલામાં છૂટ અપાઈ છે. સરકારી અને પ્રાઈવેટ ગાડીઓ રસ્તા પર જોવા મળી રહી છે. બકરી ઈદને ધ્યાનમાં રાખીને શ્રીનગર શહેરમાં ૬ બજાર બનાવવામાં આવી છે અને લોકો માટે ૨.૫ લાખ બકરા ઉપલબ્ધ કરાવાયા છે. લોકોના ઘરો સુધી શાકભાજી, ગેસના બાટલા, ઈંડા, મરઘી અને મરઘા પહોંચાડવા માટે ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભારત સહિત દુનિયાભરમાં ઈદ-ઉલ-અજહાનો તહેવાર રંગેચંગે મનાવવામાં આવી રહ્યો છે. ઈદના પ્રસંગે રાષ્ટ્રપતિ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દેશવાસીઓના શુભકામના પાઠવી છે. દેશના અનેક ભાગોમાં આજે પવિત્ર નમાજ અદા કરવામાં આવી હતી. દિલ્હીમાં જામા મસ્જિદ ખાતે પણ ખાસ નમાજ પઢવામાં આવી હતી. દિલ્હી ઉપરાંત લખનઉ, હૈદરાબાદ, મુંબઈ, અમદાવાદ, કોલકતા, બેંગ્લોરમાં પણ મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદની ઉજવણી કરી છે.(૨-૨)

(10:03 am IST)