Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટરની તપાસ માટે SITની રચના થઈ

૩૧ જુલાઈ સુધીમાં સરકારને રિપોર્ટ આપશે : સંજય ભૂસરેડ્ડીની અધ્યક્ષતામાં બનેલી ટીમમાં ADG હરિરામ શર્મા, DIG રવિન્દ્ર ગૌડને પણ નીમવામાં આવ્યા

લખનૌ, તા. ૧૨ : ગેંગસ્ટર વિકાસ દુબે એનકાઉન્ટર કેસ અંગે ઉત્તરપ્રદેશ સરકારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસઆઈટી)ની રચના કરી છે. એડિશનલ ચીફ સેક્રેટરી ચીફ સેક્રેટરી સંજય ભૂસરેડ્ડીની અધ્યક્ષતામાં બનેલી આ ટીમમાં એડીજી હરિરામ શર્મા અને ડીઆઈજી રવિન્દ્ર ગૌડને પણ નીમવામાં આવ્યા છે. એસઆઈટી આ મામલે તપાસ કરીને ૩૧ જુલાઈ સુધી સરકારને રિપોર્ટ સબમિટ કરશે. ઉજ્જૈનમાં કરવામાં આવેલી ધરપકડ બાદ વિકાસ દુબેને કાનપુર લઇ જવામાં આવી રહ્યો હતો પરંતુ એસટીએફની ગાડીને અકસ્માત નડ્યો હતો અને પોલીસના જણાવ્યા અનુસાર વિકાસ દુબેએ એક પોલીસકર્મીની બંદૂક છીનવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસ પર ફાયરીંગ કરીને ભાગવાની કોશિશ કરી હતી. વફ્રતા ફાયરીંગમાં તેને ગોળી વાગી હતી. ત્યારબાદ પોલીસે વિકાસ દુબેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો.

એસટીએફની થીયરી પર ચારેયબાજુથી સવાલ ઉઠી રહ્યા છે, જેથી સરકારે આ મામલે સીટની રચના કરવાનો નિર્ણય લીધો છે. યુપી પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે, કાનપુરના બીકરું ગામમાં આઠ પોલીસકર્મીની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબેની હત્યા બાદ પણ પોલીસ ઓપરેશન રોકાયું નથી. વિકાસ દુબેના ૧૨ ફરાર થઇ ગયેલા સાથીઓની તપાસ કરવામાં આવી રહી છે જેમણે આ જઘન્ય પાપ કર્યું છે. પોલીસે વિકાસ સહિત ૬ લોકોને એનકાઉન્ટરમાં ઠાર કર્યા છે, જયારે ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(7:29 pm IST)