Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

માનવતાની મિસાલ રજૂ કરતી ભારતીય સેનાઃ પાક.ને સોંપ્યો બાળકનો મૃતદેહ

બાળકના માતા-પિતાએ ભારતીય સેનાનો આભાર માન્યો છે

શ્રીનગર, તા.૧૨: જમ્મૂ-કાશ્મીરઃ માનવીયતાની મિસાલ પેશ કરતા નિર્ધારિત પ્રોટોકોલ તોડીને ભારતીય સેનાએ ૮ વર્ષના બાળકનો મૃતદેહ પાકિસ્તાનને સોંપ્યો છે. આપને જણાવી દઈએ કે પાકિસ્તાનના પીઓકે વિસ્તારમાંથી ગુમ થયેલા બાળકનો મૃતદેહ બાંદીપુરા જિલ્લાના ગુરેજ કિશન ગંગા નદીમાંથી મળ્યો હતો. બાળકની ઓળખ આબિદ શેખના રુપમાં થઈ છે. બાળકના માતાપિતાએ ભારતીય અધિકારીઓ પાસેથી બાળકના મૃતદેહને સોંપવાની અપીલ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર કેટલાક સ્થાનિક લોકોને ગુરેજના અચૂરા ગામમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેતી કિશનગંગા નદીમાં એક બાળકનો મૃતદેહ તરતો દેખાયો. ભારતીય સેનાના જવાનોએ આ મૃતદેહને બહાર કાઢ્યો અને તેની ઓળખ કરતાં માલૂમ પડયું કે તે પાકિસ્તાનનો રહેવાસી છે.

ભારતીય સીમામાં વહીને આવી ગયો હતો આ બાળકનો મૃતદેહ. ત્યારબાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને હોટલાઈન પર આની સૂચના આપી હતી. ત્યારબાદ બાળકના પરિજનોએ ભારતથી તેનો મૃતદેહ પાછો મોકલવા માટે આગ્રહ કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાનમાં ગિલગિટના મૂળ નિવાસી બાળકને ગુરેજ કસ્બામાં કિશનગંગા નદીમાંથી તેના મૃતદેહને કાઢવામાં આવ્યો છે.

તેના માતાપિતાએ સોશિયલ મીડિયા પર ભારતીય અધિકારીઓને તેનો મૃતદેહ પાછો મોકલવા માટે અપીલ કરી હતી. ત્યારબાદ માનવીય આધાર પર તાત્કાલિક કાર્યવાહી કરતા ભારતીય સેનાએ મૃતદેહને સોંપવાનો નિર્ણય કર્યો. બાળકના માતા-પિતાએ ભારતીય સેનાનો આભાર માન્યો છે.

(10:15 am IST)