Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે

પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધુ અસર કરશે, બાકીના સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવો- મધ્યમ વરસાદ પડશે : અશોકભાઈ પટેલ : અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે :દક્ષિણ ગુજરાતમાં મધ્યમ - ભારે : બાકીના ગુજરાતમાં થન્ડરસ્ટ્રોમના લીધે ગાજવીજ સાથે છૂટોછવાયો વરસશે

રાજકોટ, તા. ૧૨ : વાવાઝોડુ 'વાયુ' પોરબંદર અને દીવના દરિયાકિનારે મધરાત્રે ૩ વાગ્યે ત્રાટકશે. જેની અસર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ થશે. બાકીના સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડશે. જયારે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ ભારે અને બાકીના ગુજરાતમાં થન્ડરસ્ટ્રોમના લીધે ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે અતિ તીવ્ર વાવાઝોડુ 'વાયુ' હાલ ૧૮.૭ નોર્થ, ૭૦ ઈસ્ટ, વેરાવળથી આશરે ૨૫૦ કિ.મી. મુખ્યત્વે દક્ષિણે છે. હાલમાં આ સિસ્ટમ્સના પવનો ૧૬૫ કિ.મી. (ઈન્ટરનેશનલ એજન્સી) અને આઈએમડીના જણાવ્યા મુજબ ૧૪૦થી ૧૫૦ (૩ મિનિટની સરેરાશ)ની ઝડપે ફૂંકાઈ રહ્યા છે. ૯૬૧ મિલીબાર પ્રેશર (ઈન્ટરનેશનલ એજન્સી) મુજબ આ સિસ્ટમ્સ હજુ મુખ્યત્વે ઉત્તર તરફ ગતિ કરે છે. ત્યારબાદ ઉત્તર - ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. જેના લીધે સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓ જેમ કે, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ જિલ્લામાં વધુ અસર કરશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે.

જયારે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ ભારે વરસાદ પડશે. જયારે બાકીના ગુજરાતમાં પૂછડીયા વાદળો થન્ડરસ્ટ્રોમના લીધે છૂટોછવાયો ગાજવીજ સાથે વરસાદ પડશે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની વધુ અસર જોવા મળશે. બાકીના સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. તા.૧૫ જૂન સુધી વરસાદની શકયતા છે.  હવામાન ખાતાની સુચનાને અનુસરવુ.

(3:26 pm IST)