Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

AAPના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ: સરકારી કામમાં અવરોધનો આરોપ

બુલડોઝર કાર્યવાહીનો વિરોધ કરનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન સહિત 6 લોકોની ધરપકડ કરાઈ

નવી દિલ્હી :દિલ્હીમાં ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહીનો વિરોધ કરનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. MCDની કાર્યવાહી દરમિયાન હુલ્લડ અને સરકારી કામમાં અવરોધની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમને પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યો, પછી તેની ધરપકડ કરવામાં આવી હતી .

ઉલ્લેખનીય છે કે દિલ્હીના મદનપુર વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ વિરુદ્ધ MCDની કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા માટે ટીમ સ્થળ પર પહોંચી ત્યારે પથ્થરમારો થતાં ભારે હોબાળો મચી ગયો હતો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ પ્રસંગે AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પણ હાજર હતા. તેમના પર હુલ્લડ અને સરકારી કામમાં અવરોધ કરવાનો આરોપ હતો. તેમના સિવાય 6 વધુ લોકો સામે આ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે પોલીસે તમામની ધરપકડ કરી લીધી છે.

જ્યારે AAP ધારાસભ્યની પોલીસે અટકાયત કરી ત્યારે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વિટ કરવામાં આવી હતી. ટ્વીટ કરીને તેમણે પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જને ગેરબંધારણીય ગણાવ્યો હતો. તેમણે લખ્યું કે ભાજપની “બુલડોઝર સિસ્ટમ” નો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ દ્વારા કરવામાં આવેલ લાઠીચાર્જ ગેરબંધારણીય છે. અમે ભાજપની જનવિરોધી નીતિઓના વિરોધમાં છીએ, હું હંમેશા લોકોના હક્ક માટે અવાજ ઉઠાવીશ, ભલે આ માટે મારે કેટલી વાર જેલ જવું પડે.

(12:59 am IST)