Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ઉત્તર પ્રદેશમાં બધા જ મદરેસાઓમાં રાષ્ટ્રગીત ફરજિયાત

પ્રાર્થના પહેલાં ગવાશે રાષ્ટ્રગીત:મદરેસા એજ્યુકેશન બોર્ડના રજિસ્ટારે જારી કર્યો પરિપત્ર

ઉત્તર પ્રદેશમાં બધા જ મદરેસાઓમાં રાષ્ટ્રગીત ફરજિયાત થઈ ગયું છે. મદરેસા એજ્યુકેશન બોર્ડના રજિસ્ટારે તમામ અધિકારીઓને પરિપત્ર પાઠવી દીધો છે. આ નિર્ણય મદરેસા એજ્યુકેશન બોર્ડની મીટિંગમાં ૨૪મી માર્ચે લેવાયો હતો. વેકેશન પછી શરૃ થનારા તમામ મદરેસાઓમાં હવેથી રાષ્ટ્રગીત ફરજિયાત થઈ જશે.

  ઉત્તર પ્રદેશમાં ૧૬,૪૬૧ મદરેસા છે, એમાંથી ૫૬૦ મદરેસા સરકારી અનુદાનથી ચાલે છે. આ તમામ મદરેસાઓમાં હવે રાષ્ટ્રગાન ફરજિયાત કરી દેવાયું છે. પ્રાર્થના પહેલાં હવે તમામ મદરેસામાં રાષ્ટ્રગીત ગવાશે. લઘુમતી મંત્રી ધરમપાલ સિંહે ગયા મહિને કહ્યું હતું કે મદરેસાઓમાં હવે રાષ્ટ્રગાન ફરજિયાત ગવાશે. તે પછી આ નિર્ણય જાહેર થયો છે. સરકારી અનુદાનથી ચાલતી, સંસ્થાઓના સહયોગથી ચાલતી કે તે સિવાયની તમામ રજિસ્ટર મદરેસામાં રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત થઈ જશે.

મદરેસા એજ્યુકેશન બોર્ડના રજિસ્ટાર એસ.એન પાંડેએ તમામ લઘુમતી બાબતોના અધિકારીઓને અને મદરેસાઓને એક પરિપત્ર મોકલી દીધો છે. રમજાનની રજા પછી ખુલનારા તમામ મદરેસાઓમાં આ નવો નિયમ લાગુ થશે. નોટિફિકેશન પ્રમાણે મદરેસા એજ્યુકેશન બોર્ડની મીટિંગ ગત ૨૪મી માર્ચે યોજાઈ હતી. તે વખતે મદરેસામાં રાષ્ટ્રગીતનું ગાન ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો હતો.

(12:33 am IST)