Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રાત્રે રાયપુર એરપોર્ટ પર મોટી દુર્ઘટના: હેલિકોપ્ટર ક્રેશ લેન્ડીંગમાં બે પાયલટ શહીદ

હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડીંગ થતા કેપ્ટન પંડા અને કેપ્ટન શ્રીવાસ્તવનું નિધન

છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર એક મોટો અકસ્માત થયો છે.એરપોર્ટ પર હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડીંગ થતા કેપ્ટન પંડા અને કેપ્ટન શ્રીવાસ્તવનું મોત થયું છે. દુર્ઘટના બાદ રાયપુર એરપોર્ટ પર અફરાતફરી મચી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનામાં એક પાયલટનું મોત થયું છે જ્યારે બીજાનું હોસ્પિટલ જતા રસ્તામાં જ મોત થઈ ગયું છે.

પાયલટ સરકારી હેલિકોપ્ટરને લેન્ડ કરાવી રહ્યાં હતા ત્યારે તેમાં અચાનક આગ લાગી હતી અને તેમાં બન્ને પાયલટના મોત થયા હતા. હેલિકોપ્ટરમાં બે પાયલટ સિવાય બીજું કોઈ નહોતું. છત્તીસગઢ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, રાયપુરના સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર આજે રાત્રે લગભગ 9.10 વાગ્યે રાજ્યનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તે નિયમિત ટ્રેનિંગ ફ્લાઈટમાં હતી. ટેક્નિકલ ખામીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાના પ્રારંભિક સંકેતો મળી રહ્યા છે. આ અકસ્માતમાં કેપ્ટન ગોપાલ કૃષ્ણ પાંડા અને કેપ્ટન એ.પી.શ્રીવાસ્તવનું મોત નીપજ્યું હતું. ડીજીસીએ અને રાજ્ય સરકારના આદેશથી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસ્તૃત ટેકનિકલ તપાસ કરવામાં આવશે.

જણાવવામાં આવી રહ્યું છે કે રામકૃષ્ણ હોસ્પિટલ પ્રશાસન તરફથી પાયલટોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. અકસ્માત બાદ એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો. થોડા સમય માટે હંગામો પણ થયો હતો, પરંતુ સમય જતાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે

(12:14 am IST)