Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ચાર વર્ષના ગ્રેજ્યુએશન કોર્સની ઇન્ટર્નશિપ માટે UGCએ જાહેર કરી નવી ગાઇડલાઇન

પ્રથમ ઇન્ટર્નશિપ વિદ્યાર્થીની રોજગાર ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બીજી ઇન્ટર્નશિપ વ્યક્તિગત સંશોધન લાયકાત વિકસાવવા માટે હશે

નવી દિલ્હી :યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનએ ચાર વર્ષનો સ્નાતક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંશોધન ઇન્ટર્નશિપ ફરજિયાત કરી છે. યુજીસીએ નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત આ પગલું ભર્યું છે. UGC એ નવી શિક્ષણ નીતિ (NEP 2020) હેઠળ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓના શિક્ષકો સાથે સંશોધન માર્ગદર્શિકા પણ તૈયાર કરી છે. યુજીસીએ નક્કી કર્યું છે કે રિસર્ચ ઈન્ટર્નશિપ બે પ્રકારની હશે. પ્રથમ ઇન્ટર્નશિપ વિદ્યાર્થીની રોજગાર ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બીજી ઇન્ટર્નશિપ વ્યક્તિગત સંશોધન લાયકાત વિકસાવવા માટે હશે.

નવી ગાઈડલાઈન મુજબ તૈયાર કરાયેલા નવા કોર્સમાં યુજી ડિગ્રી કોર્સમાં સંશોધન પર ભાર મૂકવામાં આવ્યો છે. ચાર વર્ષના સ્નાતક અભ્યાસક્રમના ચોથા વર્ષમાં વિદ્યાર્થીઓની સંશોધન સંબંધિત ક્ષમતા પર ભાર આપવામાં આવ્યો છે. UG વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષ પછી 10 અઠવાડિયાના સમયગાળાની તેમની પ્રથમ સંશોધન ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી પડશે. કોઈ વ્યક્તિ UG ડિગ્રી પ્રોગ્રામના બીજા વર્ષ પછી 10 અઠવાડિયાના સમયગાળાની બીજી સંશોધન ઇન્ટર્નશિપ પૂર્ણ કરી શકે છે. જે વિદ્યાર્થીઓ સંશોધન સાથે ચાર વર્ષનો UG ડિગ્રી કોર્સ કરવા માગે છે તેઓએ 7મા સેમેસ્ટર દરમિયાન સંશોધન એબિલીટીનો અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો રહેશે.

તેમજ સંશોધન પ્રોજેક્ટ વર્ક 7મા અને 8મા સેમેસ્ટર દરમિયાન પૂર્ણ કરવાનું રહેશે. ચાર વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી 40 ક્રેડિટ પોઈન્ટ્સ હોવા ફરજિયાત છે. UGC દ્વારા ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે 8 થી 10 અઠવાડિયાની ઇન્ટર્નશિપની 10 ક્રેડિટ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર અથવા ડિપ્લોમા કરીને અભ્યાસક્રમ છોડવા માગે છે તેમના માટે ઇન્ટર્નશિપ ફરજિયાત છે. જે વિદ્યાર્થીઓ 4 વર્ષનો ગ્રેજ્યુએશન ડિગ્રી કોર્સ પૂરો કરવા માગે છે તેમણે 1 વર્ષનું રિસર્ચ વર્ક અને 10 અઠવાડિયાની ઇન્ટર્નશિપ કરવી પડશે. સંશોધન વિના ગ્રેજ્યુએશન કોર્સ કરવા માંગતા વિદ્યાર્થીઓએ પણ ઓછામાં ઓછી 8 થી 10 અઠવાડિયાની ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી પડશે.

જેમાં ચાર વર્ષના ડિગ્રી કોર્સમાં રિસર્ચ સ્ટુડન્ટ્સ ઈન્ડસ્ટ્રી સિવાય રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, રિસર્ચ લેબ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ, કોઈપણ યુનિવર્સિટી કે કોલેજના રિસર્ચ પ્રોફેસર બનીને ઈન્ટર્નશિપ કરી શકશે.

(11:40 pm IST)