Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

પીએમ મોદીના નેપાળ પ્રવાસ પહેલા નેપાળના વિદેશ મંત્રાલયે કહ્યું- બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે

બંને નેતાઓ ભારત-નેપાળ સહયોગ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર એકબીજા સાથે વિચારો શેર કરશે.

નવી દિલ્હી :વડા પ્રધાન મોદીની નેપાળની મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને વર્ષો જૂના સામાજિક-સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. નેપાળના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં આ વાત કહી. મોદી પાડોશી દેશના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર નેપાળની મુલાકાતે છે. મોદી 16 મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના અવસર પર ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બીનીની સત્તાવાર મુલાકાત લેશે. બંને દેશોના નેતાઓ લુમ્બિનીમાં દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ દરમિયાન બંને નેતાઓ ભારત-નેપાળ સહયોગ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર એકબીજા સાથે વિચારો શેર કરશે.

વડા પ્રધાન મોદીની નેપાળની આગામી મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને વર્ષો જૂના સામાજિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે, એમ નિવેદનમાં જણાવાયું છે. વડાપ્રધાન દેઉબા તેમના ભારતીય સમકક્ષ અને મુલાકાતી પ્રતિનિધિમંડળના સભ્યોના સન્માનમાં લંચનું આયોજન કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન મોદી અને દેઉબા પવિત્ર માયાદેવી મંદિરમાં આયોજિત પ્રાર્થનામાં ભાગ લેશે અને લુમ્બિનીના મઠ વિસ્તારમાં બૌદ્ધ સંસ્કૃતિ અને વિરાસત માટેના કેન્દ્રના નિર્માણ માટે શિલાન્યાસ કરશે.

બંને નેતાઓ લુમ્બિનીમાં બુદ્ધ જયંતિના શુભ અવસર પર આયોજિત એક વિશેષ કાર્યક્રમને સંબોધિત કરશે. આ પ્રસંગે નેપાળના વિદેશ મંત્રી નારાયણ ખડકા વડાપ્રધાન મોદીને મળશે. ભારતના વડાપ્રધાન તરીકે મોદીની નેપાળની આ પાંચમી મુલાકાત હશે. જુલાઈ 2021માં પાંચમી વખત વડાપ્રધાન બન્યા બાદ દેઉબા ગયા મહિને તેમની પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા પર દિલ્હીમાં હતા. આ મુલાકાત દરમિયાન તેમનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવાનો હતો.

(11:32 pm IST)