Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મુંબઈએ ચેન્નાઈને 5 વિકેટે હરાવ્યું: ટિમ ડેવિડએ વિજયી છગ્ગો ફટકાર્યો :માહીનું પ્લેઓફમાં જવાનું સપનું ચકનાચૂર થઈ ગયું

ચેન્નાઈને 97 રનમાં સમેટ્યાં બાદ મુંબઈએ 15 મી ઓવરમાં જ લક્ષ્ય પાર કરીને 5 વિકેટથી હાર આપી

મુંબઈ :  IPL 2022 ની 59મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. મુંબઈએ ચેન્નાઈએ 15 મી ઓવરમાં જ લક્ષ્ય પાર કરીને 5 વિકેટ થી હાર આપી હતી. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ચેન્નાઈને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઈએ કંગાળ રમતનુ પ્રદર્શન 16 ઓવરમાં જ 97 રન બનાવીને સમેટાઈ ગઈ હતી. જવાબમાં રન ચેઝ કરવા માટે ઉતરેલી મુંબઈની ટીમે પણ પ્રથમ ઓવરમાં જ ઓપનર ઈશાન કિશનની સસ્તામાં વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ રોહિત શર્મા પણ ઝડપથી પરત ફર્યો હતો. મુંબઈને અંતમાં ટિમ ડેવિડે વિજયી છગ્ગો ફટકારી જીત અપાવી હતી.

ઓપનીંગ જોડી ચેન્નાઈની માફક મુંબઈની પણ ઝડપથી તુટી ગઈ હતી. ઈશાન કિશન ટીમના 6 રનના સ્કોર પર જ વિકેટ ગુમાવી બેઠો હતો. જે 6 રન તેના જ બેટ વડે આવ્યા હતા. તેણે 5 બોલનો સામનો કર્યો હતો. મુકેશ ચૌધરીએ તેને ધોનીના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. બીજી વિકેટના રુપમાં રોહિત શર્મા આઉટ થયો હતો. સિમરજીત સિંહે રોહિત શર્માનો શિકાર કર્યો હતો. તેણે ધોનીના હાથમાં રોહિતને કેચ આઉટ કરાવ્યો હતો. રોહિતે 14 રન 18 બોલનો સામનો કરીને બનાવ્યા હતા.

જોકે સ્થિતી મુંબઈની પણ ચેન્નાઈની માફક પાતળી થઈ ગઈ હતી. પાવર પ્લેમાં મુંબઈ માત્ર 36 રન બનાવી શક્યુ હતુ અને 4 વિકેટ ગુમાવી દીધી હતી. ડેનિયલ સેમ્સ 6 બોલનો સામનો કરીને 1 રન કર્યો હતો. જ્યારે ડેબ્યૂ કરનારા ટ્રિસ્ટન સ્ટ્બ્સ શૂન્ય રને જ આઉટ થયો હતો. તે મુકેશ ચૌધરીનો શિકાર થયો હતો.

બાદમાં સ્થિતી તિલક વર્મા અને ઋતિક શોકિને સંભાળી હતી. બંને વચ્ચે 47 બોલમાં 48 રનની ભાગીદારી નોંધાઈ હતી. શોકીન 23 બોલનો સામનો કરીને 18 રન નોંધાવી આઉટ થયો હતો. તેને મોઈન અલીએ બોલ્ડ કર્યો હતો. તિલક વર્માએ 32 બોલમાં 34 રનની અણનમ ઈનીંગ રમી હતી અને ટીમને જીત સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટિમ ડેવિડે 2 છગ્ગા જમાવી 16 રન નોંધાવ્યા હતા.

મુંબઈને મુશ્કેલી અનુભવાઈ હતી પરંતુ બાદમાં સ્થિતી સુધારી લેવાઈ હતી. મુકેશ ચૌધરીએ મુસીબત મુંબઈને માટે નોંતરી હતી. તેણે 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. સિમરજીત સિંહે 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. મોઈન અલીએ એક વિકેટ ઝડપી હતી.

ચેન્નાઈએ કંગાળ રમતનુ પ્રદર્શન કર્યુ હતુ અને પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી તેનો આ સિલસિલો અટક્યો નહોતો અને પાવર પ્લેમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. ડેનિયલ સેમ્સ ચેન્નાઈ માટે કાળ બન્યો હતો અને તેણે જ શરુઆતમાં 3 વિકેટ ઝડપી હતી. 16 ઓવરમાં જ ચેન્નાઈ 97 રન બનાવીને સમેટાઈ ગયુ હતુ. 39 ના આંકડા સુધીમાં તો 6 વિકેટ ગુમાવી દીધી હતી. ઈનીંગની પ્રથમ ઓવરના બીજા બોલ પર જ ઓપનર ડેવેન કોનવે ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો. તેના બાદ મોઈન અલી પણ શૂન્ય રન પર જ પરત ફર્યો હતો.

કેપ્ટન ધોનીએ અણનમ લડાયક ઈનીંગ રમી હતી. તેણે 33 બોલમાં 36 રનની ઈનીંગ રમી હતી. તેણે આ દરમિયાન 2 છગ્ગા અને 4 ચોગ્ગા પણ જમાવ્યા હતા. રોબિન ઉથપ્પા ત્રીજી વિકેટના રુપમાં માત્ર 1 રન નોંધાવી આઉટ થયો હતો. અંબાતી રાયડુ 10 રન કર્યા હતા. શિવમ દુબે એ પણ 10 અને ડ્વેન બ્રાવોએ 12 રન નોંધાવ્યા હતા. સિમરજીત સિંહ 2 રન, મહિષ તિક્ષણા શૂન્ય અને મુકેશ ચૌધરી 4 રન કરીને આઉટ થયા હતા.

(11:11 pm IST)