Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

16મીએ પીએમ મોદીએ નેપાળની મુલાકાતે :બુદ્ધ પૂર્ણિમાએ લુમ્બિનીના પ્રતિષ્ઠિત માયાદેવી મંદિરમાં પૂજા-અર્ચના કરશે

વડાપ્રધાન મોદી ત્યાં પ્રસ્તાવિત બૌદ્ધ સંસ્કૃતિ અને હેરિટેજ સેન્ટરના શિલાન્યાસ સમારોહમાં પણ ભાગ લેશે

નવી દિલ્હી :વડાપ્રધાન મોદી તેમની બીજી વિદેશ મુલાકાતમાં આગામી સપ્તાહે 16 મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના અવસર પર નેપાળમાં લુમ્બિનીની મુલાકાત લેશે. પીએમ મોદીની મુલાકાત અંગેની માહિતી ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ગુરુવારે આપવામાં આવી હતી

 . વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર વડાપ્રધાન મોદી નેપાળના પોતાના સમકક્ષ શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર લુમ્બિની જઈ રહ્યા છે. 2014 પછી વડાપ્રધાન મોદીની નેપાળની આ પાંચમી મુલાકાત હશે.

વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદી લુમ્બિનીના માયાદેવી મંદિરમાં પૂજા કરશે. તેઓ બુદ્ધ જયંતિ નિમિત્તે નેપાળ સરકાર હેઠળના લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક કાર્યક્રમને પણ સંબોધિત કરવાના છે. આ સિવાય વડાપ્રધાન મોદી ત્યાં પ્રસ્તાવિત બૌદ્ધ સંસ્કૃતિ અને હેરિટેજ સેન્ટરના શિલાન્યાસ સમારોહમાં પણ ભાગ લેશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને વડાપ્રધાનો વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીની મુલાકાત નેબરહુડ ફર્સ્ટની નીતિને આગળ વધારવા માટે ભારત અને નેપાળ વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાને ચાલુ રાખે છે. તે બંને દેશોના લોકોની સહિયારી સંસ્કૃતિના વારસાને પણ રેખાંકિત કરે છે.

આવતા અઠવાડિયે વડાપ્રધાન મોદીની નેપાળની મુલાકાત દરમિયાન, નેપાળ સરકાર લુમ્બિનીમાં તેના સૌથી મોટા સંમેલન કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે, જેની ક્ષમતા 5 હજારથી વધુ લોકોની છે. નેપાળના અધિકારીઓએ જણાવ્યું હતું કે નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા તેમના ભારતીય સમકક્ષની હાજરીમાં વિશ્વ ધરોહર સ્થળ લુમ્બિની ખાતે સંમેલન કેન્દ્ર કમ ધ્યાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવાના છે. પીએમ દેઉબાના આમંત્રણ પર મોદી નેપાળની મુલાકાતે છે.

2019માં ફરીથી વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીની નેપાળની આ પ્રથમ મુલાકાત હશે. જુલાઈ 2021માં પાંચમી વખત નેપાળના વડાપ્રધાન બન્યા બાદ દેઉબા ગયા મહિને તેમની પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા પર દિલ્હી આવ્યા હતા. પીએમ મોદીની મુલાકાતનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવાનો હતો. આ દરમિયાન દેઉબાએ મોદી સાથે સરહદ સંબંધિત મુદ્દા સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત કરી શકે છે.

(9:27 pm IST)