Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

LICના આઈપીઓ કેસમાં દખલ કરવા સુપ્રીમનો ઈનકાર

એલઆઈસીના આઈપીઓમામલે કેન્દ્રને મોટી રાહત : આઈપીઓ માટે નિર્ધારિત પ્રક્રિયા ચાલુ રહેશે

નવી દિલ્હી, તા.૧૨ : સુપ્રીમ કોર્ટે પ્રમુખ સરકારી વીમા કંપની એલઆઈસીના આઈપીઓમામલે કેન્દ્ર સરકારને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં દખલ કરવાનો ઈનકાર કરી દીધો છે. આ કારણે આઈપીઓમાટે જે પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવેલી તે અગાઉની માફક ચાલુ રહેશે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, 'આ રોકાણનો મામલો છે, અગાઉથી ૭૩ લાખ સબસ્ક્રિપ્શન થઈ ચુક્યા છે. આવા કેસમાં અમે કોઈ વચગાળાની રાહત ન આપી શકીએ. વચગાળાની રાહત આપવાનો મુદ્દો નથી બનતો.' જોકે કોર્ટ આઈપીઓની બંધારણીય માન્યતાનું પરીક્ષણ કરશે.

સુપ્રીમ કોર્ટે આ માટે મની બિલ દ્વારા કેન્દ્રને નોટિસ મોકલી છે. શીર્ષ અદાલતે આ કેસને મની બિલ મામલે બંધારણીય પીઠમાં પહેલેથી જે કેસ ચાલી રહ્યા હતા તેના સાથે ટેગ કરી દીધો છે. સાથે જ કહ્યું હતું કે, આ મુદ્દો બંધારણીય પીઠ દ્વારા વિચાર કરવા યોગ્ય છે. કોર્ટે આ મામલે ૪ સપ્તાહની અંદર કેન્દ્રનો જવાબ માગ્યો છે. અરજીકર્તા તરફથી વકીલ ઈંદિરા જયસિંહે જણાવ્યું કે, એલઆઈસીનું બધું સરપ્લસ પહેલા પોલિસી હોલ્ડર્સને મળતું હતું. આ સંશોધન પહેલા ૯૫ ટકા સરપ્લસ પોલિસી હોલ્ડર્સને અને ૫ ટકા કેન્દ્ર સરકારને જતું હતું.  આ મની બિલ દ્વારા સંશોધન કરીને પોલિસી હોલ્ડર્સનો હિસ્સો શેર હોલ્ડર્સને આપી દેવાયો છે. ત્રીજા પક્ષનો અધિકાર બનાવી દેવાયો છે. ગત ૪ મેના રોજ આઈપીઓખુલ્યો છે. હવે જ્યારે એલોટમેન્ટ શરૃ થવાનું છે ત્યારે સુપ્રીમ કોર્ટે કોઈ પ્રકારે વચગાળાની રાહત આપવી જોઈએ. જે લોકોએ એપ્લાય કર્યું છે તેમના હિતને બચાવીને આ પ્રકારે રાહત આપવામાં આવે. ઈંદિરા જયસિંહે એવી દલીલ કરી હતી કે, આ જનતાના પૈસા છે જેને ખૂબ જ ચાલાકીથી એલઆઈસીકંપનીનું ધન બનાવવામાં આવી રહ્યા છે. પોલિસીધારકોના પૈસા હવે શેરધારકોને આપવામાં આવશે. તેવામાં આઈપીઓમાટે રોકાણ કરવામાં આવેલા રૃપિયા એકાઉન્ટમાં જ હોલ્ટ કરવામાં આવે. આ અંગેનો વિરોધ કરતા કેન્દ્ર દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, આ દેશનો સૌથી મોટો આઈપીઓછે. અત્યાર સુધીમાં ૭૩ લાખ સબસ્ક્રિપ્શન થઈ ચુક્યા છે. ૯૦૦ રૃપિયાની શેર પ્રાઈસ છે.  ૪ મેથી આઈપીઓશરૃ થયો છે. મદ્રાસ હાઈકોર્ટે આ અંગે નિર્ણય આપી દીધો છે અને બોમ્બે હાઈકોર્ટ પણ ઈનકાર કરી ચુકી છે. વર્ષ ૨૦૨૧માં આ મની બિલ પાસ થયું. આ લોકો ૧૫ મહિના સુધી રાહ જોતા રહ્યા અને હવે આ લોકો વચગાળાની રાહતની માગણી લઈને આવી ગયા. જે લોકો અહીં પડકાર આપી રહ્યા છે તેઓ ૧૫,૦૦૦ રૃપિયાના પોલિસી હોલ્ડર્સ છે, જે નુકસાન થશે તેની જવાબદારી કોણ લેશે?

કેન્દ્રએ જણાવ્યું કે, એવો કોઈ કોન્ટ્રાક્ટ નથી જે કહે છે કે, તેમને ૯૫ ટકામાં હિસ્સો મળશે. પોલિસી હોલ્ડર્સને સરપ્લસના હિસ્સામાં કોઈ બંધારણીય અધિકાર નથી. આ કેસમાં કોઈ વચગાળાની રાહત ન અપાવી જોઈએ. તેનાથી માર્કેટમાં ખોટો મેસેજ જશે.

 

(8:00 pm IST)